વડોદરાઃ વડોદરા શહેર પોલીસમાં એકાદ મહિનાના ગાળામાં ૨૭ પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીના હુકમો થતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇની ટ્રાફિકમાં બદલીનો વિરોધ થવાનો પહેલીવાર બનાવ બન્યો છે.
ગઇકાલે શહેર પોલીસ કમિશનરે પાંચ પીઆઇની આંતરિક બદલીઓ કરતાં તેમાં ૯ મહિના પહેલાં જ આવેલા કારેલીબાગના પીઆઇ હરિત વ્યાસને ટ્રાફિકમાં મુકવામાં આવ્યા હતા.જેને પગલે આજે આ વિસ્તારના કેટલાક વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ કરવા તૈયાર થયા હતા.
જેથી પીઆઇએ તેમને પોલીસ ખાતું શિસ્તને વરેલું છે તેથી તેઓને આમ નહિ કરવા સમજાવ્યા હતા.આમ છતાં કેટલાક લોકો કાળી પટ્ટી પહેરીને પોીલસ સ્ટેશને આવ્યા હતા.નોંધનીય છે કે,ત્રણ દાયકામાં આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી નથી.તે પહેલાં કોમી તોફાનો વખતે બદલીઓનો વિરોધ કરવાના બનાવ બન્યા હતા.