વડોદરા,ગરબા જોવા નીકળેલા યુગલને અંકોડિયા કેનાલ પાસે બુકાનીધારી લૂંટારાઓએ ધમકાવી ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ પોલીસ દોડતી થઇ ગઇ છે. ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ – અલગ ટીમો બનાવી છે. પરંતુ, હજીસુધી કોઇ આરોપી મળી આવ્યા નથી.
ગોત્રી વિસ્તારમાં રહેતો ૩૦ વર્ષનો યુવક અને સી.એ.નો અભ્યાસ કરતી ૨૪ વર્ષની યુવતી ગુરૃવારે રાત કલાલી વિસ્તારના એક ગરબામાં ગયા હતા. ત્યાંથી તેઓ વહેલા નીકળી ગયા હતા અને અંકોડિયા ગામની કેનાલ પાસેના એક કેફેમાં ગયા હતા. રાતે સાડા દશ વાગ્યે તેઓ કેફેમાં બેસીને વાતો કરતા હતા. કોઇ તેઓને જોઇ રહ્યું હોવાની શંકા થતા તેઓ ત્યાંથી મોપેડ લઇને નીકળ્યા હતા. યુગલ મોપેડ લઇને અંકોડિયા કેનાલવાળા રોડ પર ગયા હતા. થોડે દૂર ગયા પછી યુવકને થયું કે, આ રસ્તો અવાવરૃં છે. જેથી, તેણે મોપેડ વળાવી લીધું હતું. રસ્તામાં ત્રણ બુકાનીધારી લૂંટારાઓએ તેઓને ઉભા રાખ્યા હતા. અમે એમ્બ્યુલન્સ બોલાવી છે. તમે મદદ કરવા માટે આવો. જેથી, યુવક ઉતરીને તેઓની સાથે ગયો હતો. લૂંટારાઓ સાથે ઝપાઝપી થયા પછી એક લૂંટારાએ ચપ્પુ બતાવી યુવકને જે કોઇ વસ્તુ હોય તે આપી દેવા માટે જણાવ્યું હતું. દરમિયાન બીજો લૂંટારૃ યુવતી પાસે પહોંચી ગયો હતો અને તેની પાસેથી સોનાની બુટ્ટી અને મોબાઇલ છીનવી લીધા હતા. ત્યારબાદ ખેતરના રસ્તે લૂંટારાઓ ભાગી છૂટયા હતા. રાહદરીના મોબાઇલ ફોન પરથી ૧૧૨ નંબર પર કોલ કરીને પોલીસની મદદ માંગતા પોલીસ દોડી ગઇ હતી. યુગલને પોલીસ સ્ટેશન લઇ આવી તેઓના પરિવારજનોને બોલાવી પોલીસે નિવેદનો લીધા હતા. જોકે, આ ઘટનામાં હજી ભોગ બનનાર યુગલ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશનના આધારે આરોપીઓને શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઝપાઝપી દરમિયાન એક લૂંટારૃની બુકાની નીકળી ગઇ હતી. જેથી, પોલીસ તેનો સ્કેચ તૈયાર કરાવી રહી છે.