વિવાદ બાદ ચૂંટણી થતાં વહીવટદારના શાસનનો અંત
ત્રણ ટર્મ ચેરમેન રહી ચૂકેલા રામજી ગોહિલ સામે ઝાલાવાડ જીનીંગ મંડળીમાં ઉચાપતની ફરિયાદ થતા નવા ચહેરાને સ્થાન અપાયું
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં તાજેતરમાં રાજ્ય નિયામક દ્વારા રાજ્ય સાથે વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચુંટણી જાહેર થતા આજે વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી.
વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રામજીભાઈ ગોહિલ તેમજ વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદત ગત ૦૩ એપ્રિલના રોજ પૂરી થઈ ગઈ હતી. અને ત્યારથી છ મહિના સુધી માર્કેટિંગ યાર્ડમાં વહીવટદાર શાસન ચાલતું હતું. તેમજ વઢવાણ માર્કેટિંગના ચેરમેન રામજીભાઈ ગોહિલ સામે ઝાલાવાડ જીનિંગ મંડળીમાં અંદાજે રૃ.૨.૬૬ કરોડની ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આગામી નવી ટર્મ માટે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેનની સુકાન કોને સોંપવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઈ હતી.
તાજેતરમાં રાજ્યના નિયામક દ્વારા વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી જાહેર કરતા જ ભાજપ કૌભાંડી ચેરમેન રામજીભાઈ ગોહિલને રિપિટ કરવામાં આવે છે કે નવા ચેહરાને સ્થાન આપવામાં આવે છે તેને લઇ રાજકીય માહોલ ગરમાયો હતો.
ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડના હોલ ખાતે નવી ટર્મ માટે જિલ્લા રજીસ્ટ્રાર સહિતના અધિકારીઓની અધ્યક્ષતામાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેન માટે ચૂંટણી પ્રકિયા યોજાઈ હતી જેમાં તમામ ૧૪ ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેડ આપેલા ચેરમેન તરીકે નારણભાઈ જેસંગભાઈ પાવરા અને વાઈસ ચેરમેન તરીકે જગદીશસિંહ ગંભીરસંગભાઈ અસવારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલા ચેરમેન તેમજ વાઈસ ચેરમેનને ઉપસ્થિત માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો તેમજ જીલ્લા ભાજપના હોદેદારો અને ખેડૂતોએ ફૂલહાર પહેરાવી તેમજ મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેને આગામી સમયમાં પોતાના નેતૃત્વમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો ઉકેલવાની તેમજ માર્કેટિંગ યાર્ડમાં દરેક જણસના ઊંચા અને પોષક્ષ ક્ષમ ભાવો મળી રહે તેવા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.