Indian Goods welcome in Russia: અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% વધારાનો ટેરિફ લગાવવા છતાં, રશિયાએ ભારતીય ઉત્પાદનોનું તેના બજારમાં સ્વાગત કર્યું છે. ભારતમાં રશિયન મિશનના ડેપ્યુટી ચીફ રોમન બાબુશ્કિનએ જણાવ્યું કે, અમેરિકા અર્થતંત્રને હથિયાર તરીકે વાપરી રહ્યું છે, પરંતુ રશિયા ક્યારેય આવા પ્રતિબંધો નહીં મૂકે.’
ભારત-રશિયા સંબંધો અને આર્થિક સહયોગ
બાબુશ્કિનના મતે, ‘ભારત અને રશિયાએ હંમેશા મુશ્કેલ સમયમાં એકબીજાને સહકાર આપ્યો છે. રશિયા ભારતને ક્રૂડ ઓઈલનો સપ્લાય ચાલુ રાખશે અને તેના માટે રશિયાએ ખાસ વ્યવસ્થા પણ કરી છે.’ તેમણે ઉલ્લેખ કર્યો કે, ‘શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક સિવાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત થશે જેમાં ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.’
તેમણે કહ્યું કે, ‘ભારત અને રશિયા વચ્ચે વેપાર ઝડપથી વધી રહ્યો છે અને 2030 સુધીમાં તે 100 અબજ ડોલરને પાર કરી જશે. રશિયા ભારતને ખાતર, તેલ અને ગેસ જેવી વસ્તુઓનો સૌથી મોટો સપ્લાયર છે.’
અમેરિકાની નીતિ અને રશિયાની પ્રતિબદ્ધતા
બાબુશ્કિનનું માનવું છે કે, ‘અમેરિકાની ટેરિફ વોરની નીતિ ખોટી છે અને તેના કારણે ડોલર પરનો ભરોસો નબળો પડ્યો છે. આથી રશિયા ભારત સાથેના વ્યાપારિક અસંતુલનને દૂર કરવા પગલાં લેશે અને ભારતમાંથી મશીનરી, ફાર્મા પ્રોડક્ટ્સ, ચા અને ચોખા જેવી વસ્તુઓની આયાત વધારવા માંગે છે.’ આ સાથે જ તેમણે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી શકે તેવી શક્યતાને પણ નકારી કાઢી હતી.
સંરક્ષણ સહયોગ અને ભવિષ્યની યોજનાઓ
રશિયન રાજદ્વારીએ જણાવ્યું કે, ‘રશિયા ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રશિયા ભારતની જરૂરિયાતના 40% તેલ પૂરું પાડી રહ્યું છે અને અન્ય દેશોની તુલનામાં 5% વધારાનું ડિસ્કાઉન્ટ આપે છે.’ તેમણે બ્રહ્મોસ મિસાઈલના સહયોગી વિકાસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ‘અન્ય હથિયારો પર પણ કામ ચાલી રહ્યું છે. તેમણે ચીનના વિદેશ મંત્રીના ભારત પ્રવાસ અંગે પણ વાત કરી અને રશિયા, ભારત અને ચીન વચ્ચેના સહયોગને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો.’
આ પણ વાંચો: કર્ણાટક સરકારનો SC અનામત અંગે મોટો નિર્ણય, અનુસૂચિત જાતિને 3 ભાગમાં વહેંચી
‘ઓપરેશન સિંદૂર’ અને હથિયારોનું પરીક્ષણ
બાબુશ્કિનએ ભારતના ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને કહ્યું કે તે રશિયન હથિયારોના પરીક્ષણનો પણ એક અવસર હતો. તેમણે જણાવ્યું કે, ‘S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું આ યુદ્ધમાં પરીક્ષણ થયું છે અને જ્યારે પણ ભારત એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરશે, રશિયા તેનો ભાગ બનશે.’