Maharashtra BEST Society Election Results: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના રાજ ઠાકરે એકજૂટ થયા હોવા છતાં ઠાકરે બંધુઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બીઈએસટી ( BEST-બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) ક્રેડિટ સોસાયટી ચૂંટણીમાં શિવસેના (UBT) તથા એમએનએસ ગઠબંધનનો કારમો પરાજય થયો છે. 21 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં આ ગઠબંધન એક પણ બેઠક જીતી શક્યુ નહીં.
ભાજપે કર્યો કટાક્ષ
બીઈએસટી વર્કર્સ યુનિયન (શશાંક રાવ પેનલે) 14 બેઠક જીતી છે. ભાજપ સમર્થિત પેનલે સાત બેઠક પર વિજય મેળવ્યો છે. શિવસેના (યુબીટી) અને મનસે ગઠબંધન ખાતુ પણ ખોલાવી શક્યુ નથી. ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે ઠાકરે બંધુઓ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, બે શૂન્યોનો ગુણાકાર હંમેશા શૂન્ય જ થાય છે. આ એક સરળ ગણિત છે. શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે સ્થાનિક ચૂંટણીનો હવાલો આપતાં આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. આ ચૂંટણી નોંધનીય હતી કારણકે, ઉદ્ધવ ઠાકરે જૂથ અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના પક્ષે પહેલી વાર એકજૂટ થઈ ચૂંટણી લડી હતી. તેમ છતાં તેઓ એક પણ બેઠક પર વિજય મેળવવા નિષ્ફળ રહ્યા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ધો.10ના વિદ્યાર્થીની હત્યા મામલે વાલીઓમાં આક્રોશ, પ્રિન્સિપાલ-સ્ટાફને માર્યા
તમામ બેઠકો પર લડી હતી ચૂંટણી
બીઈએસટી વર્કર્સ યુનિયનના નેતા શશાંક રાવે આ પરિણામને કર્મચારીઓના વિશ્વાસની જીત ગણાવી છે. ભાજપ સમર્થિત પેનલે સાત બેઠકો પર જીત મેળવી છે. બીઈએસટી સોસાયટી ચૂંટણી માટે શિવસેના અને મનસેએ એક ઉત્કર્ષ પેનલ હેઠળ ગઠબંધન કર્યું હતું. તેમાં 21 સભ્યોના ડાયરેક્ટર બોર્ડ માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી 18 શિવસેના (યુબીટી) અને બે મનસેમાંથી હતા. એક ઉમેદવાર અનુસૂચિત જાતિ અને જનજાતિ સંઘનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. જે આ ગઠબંધન સાથે જોડાયેલા હતા.