Vadodara : વડોદરા કોર્પોરેશનની માલિકીના ટીપી સ્કીમના પ્લોટ, મેદાનો, રસ્તા પૈકીની જગ્યા તથા અકોટા સ્ટેડિયમ આગામી નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબાના હેતુ માટે ફાળવવા અંગેની દરખાસ્ત મંજૂરી હેતુ સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે.
અડુકિયો દડુકિયો સાર્વજનિક ટ્રસ્ટ, કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર એસોસિયેશન, શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, અલૈયા બલૈયા સહિતની સંસ્થા અને વ્યક્તિઓ દ્વારા આયોજિત શહેરમાં 30 સ્થળોએ ગરબા માટે જગ્યા ફાળવવા માંગણી કરી છે. ખાસ કરીને, ટીપી સ્કીમ નં 3, એફ પી નં 843 વાળું જય અંબે ગરબા ગ્રાઉન્ડ ફાળવવા શ્રી આશાપુરી માં ચેરીટેબલ ટ્રસ્ટ, જય અંબે યુવક મંડળ ગરબા મહોત્સવ અને નરેશ મહેશભાઈ રબારી તેમજ ટીપી સ્કીમ નં 18, એફ પી નં 295 વાળું માંજલપુરની મણિનગર સોસાયટી પાસેના મેદાન ફાળવવા શ્રી સમસ્ત પાટીદાર સમાજ વડોદરા અને સમસ્ત પાટીદાર સમાજ સંઘ વડોદરાની માંગણી છે. જેથી આ બંને પ્લોટની ફાળવણી અંગે પણ નિર્ણય કરાશે. આ ઉપરાંત ધાર્મિક પ્રસંગો માટે નક્કી કરેલ લાગત/કર રૂ.750 પ્રતિદિન 1000 ચોમી કે તેના ભાગ માટે અથવા સ્થાયી સમિતિ સૂચવે તે મુજબ લાગત વસૂલ કરી ફાળવણી અંગે નિર્ણય કરાશે. આ ઉપરાંત ગરબાના હેતુથી ટીપી સ્કીમના આપવા પાત્ર એકમો માટે અન્ય કોઈ વ્યક્તિ, સંસ્થા તરફથી માંગણી આવે તો નિર્ણય કરવા તથા આ કામ સંબંધિત તમામ કાર્યવાહીની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા અંગેની દરખાસ્ત સંદર્ભે આગામી તા.22 ઓગષ્ટ શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિમાં અંતિમ નિર્ણય થશે.