![]()
વડોદરાઃ શહેરની ઐતિહાસિક ધરોહરો પૈકીની એક માંડવીની ઈમારતમાં તિરાડો દેખાયાને ૬ મહિના થઈ ગયા છે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો આ દરવાજાનું સમારકામ હજી પણ શરુ કરી શક્યા નથી.જેના કારણે માંડવી દરવાજા પરનું જોખમ વધી રહ્યું છે.મંગળવારે રાત્રે પણ માંડવી દરવાજાના વચ્ચેના પિલ્લરમાંથી પોપડા ખર્યા છે.જેના કારણે આ ઈમારતને લઈને ચિંતા વધી ગઈ છે.
આ એ જ પિલ્લર છે જ્યાંથી અગાઉ પોપડા ખરવાની શરુઆત થઈ હતી.એ પછી ઈમારતને વધારે નુકસાન ના થાય તે માટે લોખંડના માળખા વડે ઈમારતને અંદરથી ટેકો આપવામાં આવ્યો છે.મંગળવારે રાત્રે આ પિલ્લરમાંથી અગાઉ કરતા પણ મોટા પોપડા ખર્યા હતા.જોકે ચારે તરફ બેરિકેડિંગ કરાયું હોવાથી કોઈને ઈજા થઈ નહોતી.
આ ઘટનાએ ફરી ઈશારો કર્યો છે કે, માંડવી ઈમારત વધું ને વધુ જર્જરિત બની રહી છે.બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ૬ મહિના થઈ ગયા પછી પણ તેનું સમારકામ શરુ કરાવી શક્યા નથી.
પોપડા પડવાના કારણે થયેલા ઉહાપોહ બાદ આજે બપોરે કોર્પોરેશનની સ્થાયી સમિતિના ચેરમેન માંડવીની મુલાકાતે દોડી ગયા હતા.તેમણે કહ્યું હતું કે, સમારકામ માટે કન્સલટન્ટ તરીકે હેરિટેજ એક્સપર્ટની નિમણૂક કરાઈ છે.ટેન્ડરિંગની પ્રક્રિયા આખરી તબક્કામાં છે અને એકાદ મહિનામાં ઈમારતનું સમારકામ શરુ થશે.
ઉલ્લેખનીય છે કે, સુલતાન મુઝ્ઝફરશાહે ૧૫૧૧માં માંડવી દરવાજા તરીકે ઓળખાતી ઈમારત બનાવી હતી.ત્યારથી તે શહેરની આગવી ઓળખ તરીકે જાણીતી છે.










