ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામની ઘટના
રહસ્યમય ચોરી અંગે ચાર મહિના બાદ ફરિયાદ પેથાપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામમાં એક અજીબ ચોરીનો કિસ્સો સામે
આવ્યો છે, જેમાં એક
નવવધૂના રૃપિયા ૪.૭૪ લાખની કિંમતના દાગીના તેના જ ઘરમાંથી ગાયબ થઈ ગયા છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, દાગીના
જે તિજોરીમાં રાખવામાં આવ્યા હતા તેનું તાળું બિલકુલ અકબંધ છે અને તેના પર કોઈપણ
પ્રકારના નુકસાનના નિશાન નથી. આ ઘટના બાદ પેથાપુર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ
નોંધાઈ છે અને પોલીસે આ રહસ્યમય કેસનો ઉકેલ લાવવા માટે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ,
ઉનાવા ગામના રહેવાસી જયબા નરેન્દ્રસિંહ ડાભીના લગ્ન ગત ૨૪ ફેબુ્રઆરીના રોજ થયા
હતા. લગ્ન બાદ જયબા તેમના સાસરીમાં આવ્યા હતા અને તેમના દાગીના ઘરમાં રાખવામાં
આવ્યા હતા. ૧૭ માર્ચના રોજ તેઓ તેમના પિયર ખરોડ જવા માટે નીકળ્યા હતા. પિયર જતા
પહેલા, તેમણે
સોનાની બુટ્ટી સિવાયના તમામ દાગીના અને થોડી રોકડ રકમ ઘરના આગળના રૃમમાં આવેલી
તિજોરીમાં મૂકીને તાળું માર્યું હતું. તિજોરીની ચાવી ઘરની બહાર ઓસરીમાં રાખેલી
કડાઈમાં મૂકીને તેઓ પિયર ગયા હતા.
લગભગ અઢાર દિવસ બાદ,
૩ એપ્રિલના રોજ જયબા તેમના પિયરથી પાછા ફર્યા હતા. ત્યારબાદ બે દિવસ પછી, તેમણે પહેરેલી
સોનાની બુટ્ટી તિજોરીમાં મૂકવા માટે તિજોરી ખોલી. તિજોરી ખોલતા, તેમાં રાખેલી
સાસુ અને પતિની રોકડ રકમ સહીસલામત મળી હતી,
પરંતુ જયબાના પોતાના દાગીના ગાયબ હતા. આ ગાયબ થયેલા દાગીનામાં એક સોનાનો સેટ, એક સોનાની બુટ્ટી, એક સોનાનો દોરો, એક સોનાની વીંટી
અને એક સોનાનો ટીકો સહિત કુલ રૃપિયા ૪.૭૪ લાખની કિંમતનો મુદ્દામાલ સામેલ હતો.આ
ઘટનાથી જયબા અને તેમના પરિવારને આઘાત લાગ્યો હતો, કારણ કે તિજોરી અને તેના ડ્રોવર બંને અકબંધ હતા અને તેમના
પર કોઈ તાળું તોડયાના નિશાન ન હતા. ઘરમાં પરિવારના સભ્યોની પૂછપરછ અને તપાસ કરવા
છતાં ચોરી અંગે કોઈ માહિતી મળી ન હતી. આખરે,
જયબાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અનોખા
કિસ્સાની ગંભીરતાથી નોંધ લઈ વધુ તપાસ શરૃ કરી છે. આ ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં
આવી રહી છે.