Boat Capsized in Sawai Madhopur River : રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આજે (22 ઓગસ્ટ) ગંભીર દુર્ઘટના બની છે. અહીં સૂરવાલ નદીમાં પાણીના ભારે પ્રવાહના કારણે એક હોડી પલટી ગઈ છે. રિપોર્ટ મુજબ હોડીમાં કુલ 10 લોકો સવાલ હતા, જેમાંથી ત્રણને બચાવી લેવાયા છે, જ્યારે સાત લોકો હજુ લાપતા હોવાના સમાચાર સામે આવ્યા છે.
બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા
મળતી માહિતી મુજબ, આ ઘટના રણથંભોર નેશનલ પાર્ક નજીક આવેલી નદીમાં બની હતી. પ્રવાસીઓને લઈ જતી બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાને કારણે બોટનું સંતુલન બગડ્યું અને તે અચાનક પલટી ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
પોલીસની ટીમ સ્થળ પર પહોંચી
બીજીતરફ ઘટનાની જાણ કરવામાં આવ્યા બાદ પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત તંત્રના ટોચના અધિકારીઓ પણ ઘટનાસ્થલ પર પહોંચી ગયા છે. હાલ રાહત અને બચાવ ટીમ દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
સવાઈ માધોપુરમાં મૂશળધાર વરસાદ
ઉલ્લેખનીય છે કે, સવાઈ માધોપુરમાં ગઈકાલ રાતથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અહીં નદીઓમાં ભારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે.
આ પણ વાંચો : ‘તમે કરો છો શું?’, SIR મુદ્દે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ
મોટી જાનહાનિનો ભય
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૂબી ગયેલા લોકોની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ નથી, પરંતુ જાનહાનિ થવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ દુર્ઘટનાએ નદીઓમાં બોટિંગ દરમિયાન સલામતીના નિયમોના પાલન પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો : એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, જોધપુર માટે રવાના થયેલી ફ્લાઈટ મુંબઈ પરત ફરી