વડોદરા, તા.24 વડોદરામાં લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે આજે સવારથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં પણ સાવલી અને ડેસર તાલુકા સિવાય સર્વત્ર મેઘમહેર રહી હતી.
વડોદરામાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે આજે સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૃ થયા બાદ ઢળતી બપોરે ચાર વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. ધીમી ધારે અથવા ધોધમાર વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે જિલ્લામાં ડભોઇમાં ત્રણ ઇંચ વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા હતાં.
જિલ્લામાં કરજણ તાલુકામાં બે ઇંચ, વાઘોડિયામાં અડધો ઇંચ, પાદરામાં એક ઇંચ, શિનોરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઇ જતા ગણેશ સવારીઓને અડચણ થઇ હતી. સતત વરસાદના પગલે શહેર અને જિલ્લાનું વાતાવરણ પણ ઠંડુ બન્યું હતું. હવામાનખાતાના જણાવ્યા મુજબ શહેરમાં મહત્તમ તાપમાન ૦.૨ ડિગ્રી ઘટીને ૩૦.૮ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાન પણ ૦.૪ ડિગ્રી ઘટીને ૨૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દક્ષિણ અને પશ્ચિમ દિશાના ૧૮ કિલોમીટર ગતિના પવનો સાથે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૨ અને સાંજે ૯૪ ટકા રહ્યુ હતું.