Jamnagar Traffic Jam : જામનગર શહેરના ઠેબા ચોકડી નજીક આજે પરોઢિયે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રોડની બન્ને તરફ બે. કી.મી. થી વધુ વાહનોની કતાર સર્જાઈ હતી, જેથી અનેક વાહન ચાલકો ભારે વીમાસણમાં મુકાયા હતા.
ઠેબા ચોકડી પરજ વહેલી સવારના સમયે બસ, ટ્રક, કન્ટેનર, ફોર વ્હીલ ઉપરાંત ટુ-વ્હીલર સહિતના અનેક વાહનોની બે બે કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી જતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અહીં પ્રતિ દિન સવાર-સાંજના પીક અવર્સ દરમ્યાન વાહનોની અવરજવર ખુબજ થઈ જવાના કારણે ટ્રાફિકનું દબાણ ખુબજ વધી ગયું છે. જેમાં ખાસ કરીને બસો, ટ્રક તથા દ્વિચક્રી વાહનોને તો ખુબજ ધીમે ધીમે આગળ વધવું પડ્યું હતું.
ટ્રાફિકની લાંબી કતારોમાં અટવાઈ જતાં રોજીંદા કામે જતા લોકો, ઓફિસ કર્મચારીઓ, કારખાને જતા લોકો વગેરેને સમયસર પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ટ્રાફિક જામને કારણે નાગરિકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
આવા ટ્રાફિક જામ વારંવાર સર્જાતા હોવાથી અહીં ટ્રાફિક પોલીસ સહિતના બંદોબસ્તનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. અને કોઈ ઘણી ધોરી ન હોવાના કારણે આડેધડ વાહનચાલકો પસાર થતા હોવાથી વિના કારણે ટ્રાફિકજામ થઈ જતા લોકોને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી તંત્રએ યોગ્ય કરવા માગ ઉઠી રહી છે.