Jamnagar : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકાની બાજુની જર્જરિત દિવાલ ધસી પડવાના શનિવારના બનાવમાં રાજકોટ લઈ જવાયેલા ઇજાગ્રસ્તનું રાજકોટ ખાતે મૃત્યુ થયાનું નોંધાતાં સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો છે. આ બનાવ વેળાએ પાણીની મોટર સતત ચાલુ રહેલી હોવાથી ઓવર હેડ ટેન્કમાંથી પાણીનો ધોરીયો પડતો હોવાનું અને પાણી કમ્પાઉન્ડની દીવાલ સુધી ભરાયેલું રહ્યું હોવાનું પણ સ્થાનિક વ્યક્તિ જણાવે છે.
ગત શનિવારે શંકર ટેકરી પાણીના ટાંકા વિસ્તારમાં બપોરે 12.45 વાગ્યાના અરસામાં એકાએક કમ્પાઉન્ડ વોલ ધડાકાભેર તુટતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા અને ચિંતિત થઈને દીવાલ હેઠળ બાળકો દબાયા છે કે નહીં, તેની શોધખોળ ફાયર બ્રિગેડ સહિતની ટુકડીએ શરૂ કરી હતી. પરંતુ આ ઘટનામાં દીવાલ હેઠળ 1 વ્યક્તિ દેખાયો હોવાનું સામે આવ્યું હતું. જે દિવાલની આડે અયુબભાઈ ખીરા નામના કારખાનામાં મજુરી કરતા આધેડને તાત્કાલિક જ 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હતો.
પરંતુ ત્યાં તેની તબિયત લથડી હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા બાદ તેનું ગઈકાલે રવિવારે અવસાન થયું હતું. જેથી પરિવારમાં ભારે માતમ સર્જાયો હતો. સીટી સી.ડિવિઝનનો પોલીસ સ્ટાફ સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવે છે.
આ વિસ્તારના કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ જણાવે છે કે, આ ઈએસઆર પણ પચાસેક વર્ષ જૂનો છે. તેમજ તેના નીચેના ટાંકાની દીવાલ પણ જર્જરિત થઈ ચુકી છે. મ્યુ. તંત્ર દ્વારા આ સૌથી જૂના ઈએસઆરની મજબુતી અને સ્ટેબીલીટીનો રીપોર્ટ કરાવવામાં આવે તે જરૂરી છે. કારણકે આ ટાંકા દ્વારા જુના અડધા જામનગરને પાણી વિતરણ થાય છે. જેથી મહાનગરપાલિકાએ પણ આ મામલે સતર્કતા દાખવીને સત્વરે કાર્યવાહી કરવી જોઈએ.