![]()
મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો આવવાના આપેલા સંકેત બાદ ગયા સપ્તાહના અંતે કિંમતી ધાતુમાં આવેલો ઉછાળો ટકી રહ્યો હતો. રોકાણકારોની નજર હવે ફેડરલ રિઝર્વની ઓપન માર્કટ કમિટિની બેઠકના નિર્ણય પર રહેલી છે.
કમિટિના નિર્ણય સુધી ભાવ ઊંચા મથાળે ટકી રહેવા બજારની ધારણાં છે. વૈશ્વિક ઊંચા ભાવ વચ્ચે ઘરઆંગણે પણ સેન્ટિમેન્ટ મજબૂત રહ્યું હતું અને સોનાચાંદીના ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. યુક્રેન દ્વારા રશિયાના તેલ મથકો પર હુમલાના અહેવાલે ક્રુડ તેલમાં સપ્તાહના પ્રારંભે ભાવ સુધારા તરફી રહ્યા હતા.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૪૮૮ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૦૦૮૬ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ રૂપિયા ૧૧૬૧૩૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના રૂપિયા ૧૦૩૮૦૦ મુકાતા હતા જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૩૫૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૬૫૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનુ એક ઔંસ ૩૩૬૪ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૮.૬૩ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૪૧ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૦૮ ડોલર મુકાતુ હતું. વ્યાજ દરમાં ઘટાડાની સ્થિતિમાં ફન્ડ હાઉસો ડોલરમાંથી નીકળી સોનામાં રોકાણ તરફ વળવાની ગણતરીએ વૈશ્વિક સોનામાં મજબૂતાઈ જોવા મળી રહી છે.
ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈ બેરલ દીઠ ૬૪.૧૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૮.૧૭ ડોલર મુકાતુ હતું. યુક્રેને રશિયાના તેલ મથકો પર હુમલા કર્યા હોવાના અહેવાલે ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાવાની ચિંતાએ ભાવ ઊંચકાયા હતા.










