Sanjay Raut Statements On PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં સંઘના સંસ્થાપકોને રવિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને RSS પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાનની નાગપુર મુલાકાત પર શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે પ્રહાર કર્યા છે અને દાવો કર્યો છે કે, વડાપ્રધાન મોદી સપ્ટેમ્બરમાં રિટાયરમેન્ટ લેશે.
સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન મોદીના આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી હશે અને તેનો નિર્ણય સંઘ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પણ સંઘનો નિર્ણય શિરોમાન્ય ગણાશે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, સંઘ પોતાની ઈચ્છા મુજબ ભાજપનું અધ્યક્ષ પદ સોંપશે. 10 વર્ષ બાદ મોદીની નાગપુર જઈ સંઘના હેડક્વાર્ટર સાથે મુલાકાત સામાન્ય વાત નથી.
સંઘ પરિવાર દેશનું નેતૃત્વ બદલવા માગે છેઃ રાઉત
તેમણે કહ્યું કે, સપ્ટેમ્બરમાં રિટાયરમેન્ટ માટે અરજી કરવા વડાપ્રધાન RSSના હેડક્વાર્ટર ગયા હતાં. મને જાણ છે કે, છેલ્લા 10-11 વર્ષમાં મોદીજી ક્યારેય પણ ત્યાં ગયા નથી. આ વખતે તેઓ સંઘને જાણ કરવા ત્યાં ગયા હતા. મોહન ભાગવતજીને કહેવા ગયા હતા કે, તેઓ હવે ટાટા-બાય-બાય કરી રહ્યા છે. RSSની બે વાતો મને સમજમાં આવી ગઈ છે. પહેલી એ કે તેઓ દેશનું નેતૃત્વ બદલવા માગે છે. બીજું હવે મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે. અને તે દેશમાં બદલાવ લાવવા માગે છે.
આ પણ વાંચોઃ હજારો શાળા બંધ અને સિલેબસનું સાંપ્રદાયિકરણ: સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી
રાઉતના આરોપોનો ફડણવીસે આપ્યો જવાબ
રાઉતના આરોપોનું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, જુઓ, મોદીજી હજી 2029માં પણ વડાપ્રધાન બનશે. મુઘલ શાસનમાં આમ થતું હતું કે, પિતા જીવિત હોય તો પણ પુત્રને રાજા બનાવી દેવામાં આવે. જ્યાં સુધી મારા નામનો સવાલ છે, હું કોઈપણ PM ની રેસમાં સામેલ નથી.
RSS અને PM વચ્ચે કોઈ મતભેદ નહીં
RSSના નેતા સુરેશ ભૈયાજીએ PM મોદીની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ અનેક મહાન કાર્યો કરી રહ્યા છે. અને અમે તેમને સમર્થન આપી રહ્યા છીએ. RSS અને ભાજપ વચ્ચે કોઈ મતભેદો નથી. મીડિયા અને અમુક રાજકીય પક્ષો અફવાને જોર આપી રહ્યા છે કે, ભાજપ અને સંઘ વચ્ચેના સંબંધોમાં ખારાશ આવી ગઈ છે.