![]()
મુંબઈ : અમેરિકા દ્વારા બુધવારથી લાગુ થનારી એકંદર ૫૦ ટકા ટેરિફની ઘરઆંગણે આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર જણાશે તો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નીતિવિષયક પગલાં દ્વારા તેને પ્રતિસાદ આપશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું. ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ વસૂલવાનું શરૂ કરી દેવાયું છે અને ૨૭ ઓગસ્ટથી બીજા ૨૫ ટકા વસૂલવા અમેરિકાએ જાહેરાત કરી છે.
ફિક્કી-આઈબીએના એક વાર્ષિક બેન્કિંગ કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે, બેન્કિંગ ક્ષેત્રને પૂરતી લિક્વિડિટી પૂરી પાડવામાં આવી છે અને દેશના અર્થતંત્રને જે જરૂર હશે તે બધુ પૂરુ પડાશે.
અનિશ્ચિતતા વચ્ચે ફુગાવાને નિયંત્રણમાં લેતી વખતે રિઝર્વ બેન્કે વિકાસ પરથી પોતાની નજર હટાવી નથી. વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટમાં એક ટકો ઘટાડી રેપો રેટ ૫.૫૦ ટકા લાવી દીધો છે.
વર્તમાન નાણાં વર્ષ માટે રિઝર્વ બેન્કે ભારતનો જીડીપી અંદાજ ૬.૫૦ ટકા મૂકયો છે. ટેરિફની ભારત પર એકંદર અસર નહીંવત હશે પરંતુ જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ્સ તથા એમએસએમઈ જેવા કેટલાક ક્ષેત્રો એવા છે જેના પર અસર પડવાની શકયતા રહેલી છે.
ભારત સરકાર મુકત વેપાર કરારો તરફ પણ નજર દોડાવી રહી છે. કેટલાક કરારો તો લાગુ પણ થઈ ગયા છે એમ તેમણે જણાવ્યું હતું.
આવનારા વર્ષોમાં ત્રીજા મોટા અર્થતંત્ર બનવા માટે ભારત સજ્જ છે.સેવા ક્ષેત્રની મજબૂત નિકાસ તથા ઈનવર્ડ રેમિટેન્સિસના વિક્રમી સ્તરના ટેકા સાથે ભારતની ચાલુ ખાતાની ખાધ નીચી રહેવા પામી છે, એમ જણાવી તેમણે દેશનું બહારી ક્ષેત્ર મજબૂત હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
દેશનું ૬૯૫ અબજ ડોલરનું ફોરેકસ રિઝર્વ ૧૧ મહિનાના આયાત બિલને પહોંચી વળાય એટલું છે.










