Surat News : સુરતમાં આઈપીએલ-2025નો ક્રેઝ લોહિયાળ બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. શહેરનાં એક યુવકે મેચ જોવા માટે મિત્રોને મોબાઈલ ન આપતા ખૂની ખેલ ખેલાયો છે. મોબાઈલ ન આપવાના કારણે ત્રણ યુવકોએ તેના પર જીવલેણ હુમલો કર્યો છે.
યુવકને છાતી-પેટના ભાગે ચપ્પુ વાગ્યું
હુમલાના કારણે યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તેને છાતીના ભાગે તેમજ પેટના ભાગે ધારદાર ચપ્પુ વાગતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તુરંત દોડી આવી છે અને ત્રણ ઈસરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.
મેચ જોવા માટે મોબાઈલ માગ્યો ને મામલો બિચક્યો
ઉમાશંકર ડેકાટ નામના વ્યક્તિએ સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીએ રાજાસિંગ અને કિરણ નામના ઈસમનું નામ નોંધાવ્યું છે. ફરિયાદ મુજબ, ઉમાશંકર અને ભાઈ જીતેન્દ્ર મિત્ર વિશાલના મોબાઈલમાં મેચ જોતા હતા. આ દરમિયાન દેવેન્દ્ર, રાજાસિંહ અને કિરણ તેની પાસે આવ્યો હતો અને મેચ જોવા માટે મોબાઈલની માંગણી કરી હતી.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પરે સ્કૂલ વેનને મારી ટક્કર, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત
મોબાઈલ ન આપતા ત્રણેય ઈસમો ઉશ્કેલાયા
જીતેન્દ્રએ મોબાઈલ આપવાની ના પાડતા ત્રણેય ઈસમો ઉશ્કેરાઈ તેને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બની ગયો અને ત્રણેય ઈસમોએ ભેગા મળી જીતેન્દ્રને માર મારવા લાગ્યા હતા. એટલું જ નહીં દેવેન્દ્ર અને રાજાસિંગે જીતેન્દ્રને ઉપરાઉપરી ચપ્પાના ઘા ઝીકી દીધા હતા. તેઓએ ભેગા મળી તેને પેટ અને છાતીના ભાગે ચપ્પુ માર્યું હતું.
ત્રણેય ઈસમો જીવલેણ હુમલો કરી ફરાર
ત્રણેય ઈસમો જીતેન્દ્ર પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા છે. ઉમાશંકર અને વિશાલે જીતેન્દ્રને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડ્યો હતો. આ દરમિયાન તાત્કાલીક પોલીસને જાણ કરતા ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે દેવેન્દ્ર, રાજાસિંગ અને કિરણને પકડવાની તજવીજ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : ગુજરાતના 7 જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે, કડાણા ડેમમાં પાણી ઘટતા નિર્ણય