મોરબી, જામનગર પંથકમાં 3 અકસ્માતમાં 5ના મોત : ધૂનડાના રસ્તે બાઇક- કાર અથડાતાં 2 શખ્સોનાં મૃત્યુ, : સોયલ ટોલનાકા નજીક વાહન રિપેર કરી રહેલા ચાલકને ડમ્પરે કચડયો
મોરબી, જામનગર, : મોરબી અને જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી એક બનાવમાં લાલપર નજીક તરણેતરના પ્રસિધ્ધ લોકમેળામાંથી પરત ફરતી વખતે કૌટુંબિક કાકા અને ભત્રીજાના બાઇકને કન્ટેનરચાલકે ઠોકર મારતા બન્નેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા.
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના રહેવાસી કૌટુંબિક કાકા પ્રેમજીભાઇ મેઘાજીભાઇ ભંખોડીયા અને ભત્રીજા રમેશ પ્રેમજીભાઇ ભંખોડીયા બાઇક લઇને તરણેતરના મેળામાં ગયા હતા, જયાંથી પરત ફરતી વેળા મોરબી-વાંકાનેર નેશનલ હાઇ-વે પર લાલપર ગામ નજીક કન્ટેનર ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા બન્ને કાકા ભત્રીજાને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ તેમના કરૂણ મોત થયા હતા. અકસ્માત સર્જી નાસી ગયેલા કન્ટેનરચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામથી ધુનડા જવાના રોડ પર આવેલા વણાંકમાં ફૂલ સ્પીડમાં આવતા બાઇક ચાલક અનીલ ખુમસિંગ મંડલોઇએ ઇકો કારના આગળના ભાગને ટક્કર મારતા બાઇકચાલક અનીલ ખુમસિંગ મંડલાઇે અને બાઇકમાં પાછળ બેઠેલા રામ માંગુ બામનીયાને ગંભીર ઇજા થતા બન્નેનું મોત નીપજયું હતું. કારચાલક રાજેશભાઇ દેવકરણ જીજુંવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ નાકા નજીકના બંધ પડેલા છોટા હાથીનું વાહનચાલક અમિત અતુલભાઇ ગડાદરા રિપેરિંગ કામ કરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા ડમ્પરચાલકે છોટાહાથીને ટક્કર મારી દેતા વાહન નીચે કામ કરી રહેલા અમિતભાઇનું ડમ્પર નીચે ચગદાઇ જવાને કારણે ગંભીર ઇજા થતાં મોત નીપજયું હતું. આ મામલે સંજયભાઇ કાંતિલાલ શાહે ધ્રોલ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.