Tarnetar Fair 2025: ગુજરાતના સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આયોજિત ગ્રામીણ ઓલિમ્પિક્સમાં આ વર્ષે લાડુ સ્પર્ધા ભારે ચર્ચામાં રહી. મેળામાં ઉમટેલી હજારોની મેદની વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં વિંછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 30 મિનિટમાં 30 લાડુ ખાઈને વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી અને તરણેતર ગ્રામ પંચાયતના ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 21 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દરેક સ્પર્ધકે 30 મિનિટના સમયગાળામાં બેસનના ખાંડવાળા લાડુ દાળ સાથે આરોગવાના હતા.
આ પણ વાંચો: તરણેતરના પશુ મેળામાં કચ્છની ‘મલીર’ ગાય બની ‘ચેમ્પિયન ઓફ ધ શો’, રૂ એક લાખનું ઈનામ મળ્યું
છેલ્લા ત્રણ સ્પર્ધકો વચ્ચે જામી કટોકટીની સ્પર્ધા
લાડુ સ્પર્ધાની શરૂઆતથી જ માહોલ ગરમાયો હતો. પ્રથમ 15 મિનિટમાં સ્પર્ધકોએ સરેરાશ 15 જેટલા લાડુ આરોગી લીધા હતા, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સ્પર્ધકો આઉટ થવા લાગ્યા. અંતિમ તબક્કામાં, જીત માટે ત્રણ સ્પર્ધકો વચ્ચે કડક રસાકસી જામી હતી. દર્શકો પણ ચીચિયારીઓ પાડીને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા હતા.

અંતે, બળવંતભાઈ રાઘવાણી 30 લાડુ આરોગીને પ્રથમ ક્રમે વિજેતા બન્યા. જ્યારે જૂનાગઢના ચંદુભાઈ જાડેજા 29 લાડુ ખાઈને બીજા ક્રમે રહ્યા. ગયા વર્ષના વિજેતા, ચોટીલાના માવજીભાઈ કોળીપટેલ, આ વખતે 28 લાડુ આરોગીને ત્રીજા સ્થાને રહ્યા હતા. આ સ્પર્ધામાં માત્ર પ્રથમ ક્રમના વિજેતાને જ ઇનામ આપવામાં આવે છે, જેથી બળવંતભાઈને રૂ. 2000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો.