ચંદ્ર અને સૂર્યગ્રહણ થવાથી વેપારમાં મંદી રહેવાની શક્યતા પવનની દિશા બદલાવાથી અને વિછુંડો હોવાથી ગરમીનું પ્રમાણ વધુ રહેવાનું વંથલી વર્ષા વિજ્ઞાાન મંડળના સભ્યનું પૂર્વાનુમાન
જૂનાગઢ, : આવતીકાલે ભાદરવા સુદ સાતમના વિશાખા નક્ષત્ર હોવાથી બપોર બાદ મંડાણી વરસાદ થવાની સંભાવના છે જે તા. 5 સુધી જારી રહેશે. પવનની દિશા બદલાવાથી તેમજ વિછુંડો હોવાથી ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આ વખતે ચંદ્ર અને સૂર્ય ગ્રહણ થવાથી વેપારમાં મંદી આવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અવકાશની સ્થિતિ, ભડલી વાક્ય, પવનની દિશા સહિતની બાબતોના આધારે વરસાદ તેમજ અન્ય બાબતોનું પૂર્વાનુમાન થાય છે. વંથલીમાં રહેતા વર્ષા વિજ્ઞાાન મંડળના સભ્ય રમણિકલાલ વામજાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ભાદરવા સુદ સાતમના વિશાખા નક્ષત્ર છે જેથી તા. 30-8થી 5-9-2025 સુધી બપોર બાદ મંડાણી વરસાદ થવાની સંભાવના છે. પવનની દિશા બદલાવાથી તેમજ વિછુંડો હોવાથી આ દિવસો દરમ્યાન ગરમીનું પ્રમાણ વધુ રહેશે. 10-09થી 13-9-2025 સુધી તેમજ 20-9થી 25-9 સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 4-10થી 8-10 હસ્ત(હાથીયો) નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થશે. તેમણે ઉમેર્યું હતું કે, ભાદરવા સુદ પાંચમના ચિત્રા, ભાદરવા સુદ છઠ્ઠના સ્વાતિ અને સાતમના વિશાખા નક્ષત્ર હોવાથી પાછોતરો વરસાદ થવાના યોગ છે. 14 માર્ચના ચંદ્રગ્રહણ અને 29માર્ચના સૂર્યગ્રહણ હતું જે ભારતમાં જોવા મળ્યું ન હતું. 7-9-2025ના ભાદરવા સુદ પૂનમના રવિવારે ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે. જ્યારે 21-9-2025ના સૂર્યગ્રહણ થશે જે ભારતમાં દેખાશે નહી. ચંદ્ર અને સૂર્ય ગ્રહણના કારણે ખેડૂતો માટે વર્ષ સારૂ જ્યારે વેપાર માટે મંદી, કુદરતી આફત આવે અને મોંઘવારી વધે તેવું પૂર્વાનુમાન છે.