જિલ્લાના માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો
બાપુપુરાથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ રોડ ઉપર આવેલા ટ્રેકટર ચાલકે અકસ્માત સર્જ્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક પીપળજ પાસે અચાનક જ રોડ ઉપર આવી ગયેલા
ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટ લેતા તેમાં સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને
સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન આધેડનું મોત થયું છે. જે
સંદર્ભ પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક પીપળજ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાઈક
સવાર આધેડનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
પીપળજ ગામમાં રહેતા અને વેલ્ડીંગનું કામ કરતા પ્રથમેશ દિલીપભાઈ જાની દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે, ગત
ગુરૃવારના રોજ તે તેનું બાઈક લઈને ગામના દિનેશસિંહ ભવનજી વાઘેલા સાથે બાપુપુરાથી
ઘર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન માધવ ગૌશાળા નજીકથી પસાર થતા હતા તે દરમિયાન
અચાનક જ ખેતરમાંથી પૂર ઝડપે ટ્રેક્ટર લઈને તેનો ચાલક આવ્યો હતો અને તેમના બાઇક
સાથે અકસ્માત કરી દીધો હતો. જેના પગલે તેઓ બંને નીચે પટકાયા હતા અને ગંભીર ઇજાઓ
પહોંચી હતી. જોકે આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮
એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દિનેશસિંહની
હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર
દરમિયાન ગઈકાલે તેમનું મોત થયું હતું. આ ઘટના અંગે પેથાપુર પોલીસ દ્વારા
ટ્રેક્ટરના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.