અમદાવાદ,શનિવાર,27
સપ્ટેમબર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આડે હવે
ચાર મહીનાનો સમય બાકી રહયો છે. આ અગાઉ સિમેન્ટના રોડ બનાવવાના નામે સત્તાધીશો
દ્વારા કોન્ટ્રાકટરોને લહાણી કરાઈ રહી છે.મણિનગર, દાણીલીમડા,બહેરામપુરા, ઈસનપુર અને લાંભા
સહીતના અન્ય વોર્ડમાં સિમેન્ટના રોડ બનાવવા રુપિયા ૫૦ કરોડનો અંદાજ મુકાયો હતો.
અંદાજથી વધુ ૨૭.૭૫ ટકા વધુ ભાવથી એટલે કે રુપિયા ૬૩.૮૭ કરોડના ખર્ચે કોન્ટ્રાકટર
નિયતિ કન્સ્ટ્રકશનને કામ આપવા રોડ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. કોન્ટ્રાકટરને
જી.એસ.ટી. અલગથી ચૂકવાશે.
અમદાવાદમાં ૧૧ કરોડના ખર્ચથી ગુરૃકુળ ખાતે બનાવાયેલ
સિમેન્ટનો રોડ પાઈપલાઈન લીકેજ થવાના કારણે તોડવો પડયો હતો.આ ઉપરાંત જોધપુર વિસ્તારમાં પ્રેરણા તીર્થ દેરાસર રોડ
ઉપર કોન્ટ્રાકટર દ્વારા આઠ ગટરના ઢાંકણા ઉપર સિમેન્ટનો રોડ બનાવી દેવાતા રુપિયા
૧૧.૪૧ કરોડના ખર્ચે બનાવાયેલ સિમેન્ટનો રોડ દબાયેલા ગટરના ઢાંકણાં ડ્રીલીંગ કરી
બહાર કાઢવા માટે તોડવો પડયો હતો.ઉપરાંત તાજેતરમાં નવા વાડજમાં છ મહીના પહેલા આઠ
કરોડના ખર્ચે બનાવાયેલ સિમેન્ટના રોડ ઉપર ખાડા પડતા તેનુ સમારકામ કરવુ પડયુ હતુ.આ
પ્રકારના અનુભવો છતાં શાસકપક્ષની નેતાગીરીને સિમેન્ટના રોડ બનાવવાનો મોહ છૂટતો
નથી.રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહયુ,સિમેન્ટના
રોડ બનાવવા ટેન્ડર કરવા ના પડે એ હેતુથી એન્યુઅલ રેઈટ કોન્ટ્રાકટ પધ્ધતિથી
કોન્ટ્રાકટરને કામ અપાયુ છે. પરંતુ રુપિયા ૫૦ કરોડના અંદાજની સામે રુપિયા ૬૩.૮૭
કરોડ તથા જી.એસ.ટી. અલગથી ચૂકવવા કયા કારણથી મંજૂરી અપાઈ તે અંગે તેઓ પાસે કોઈ
જવાબ નહતો.
પશ્ચિમ અમદાવાદમાં
૬૦ કરોડના અંદાજ સામે ૭૫ કરોડનો કોન્ટ્રાકટ અપાયો
અમદાવાદ પશ્ચિમના પાલડી,વાસણા,નારણપુરા,નવરંગપુરા સહીતના
વોર્ડમાં રૃપિયા ૭૫.૯૦ કરોડના ખર્ચે કોન્ટ્રાકટર શ્રીજી ઈન્ફ્રાસ્પેસને સિમેન્ટના
રોડ બનાવવા અંદાજથી વધુ રુપિયા ૧૫.૬૦ કરોડ વધુ
કોન્ટ્રાકટરને સિમેન્ટના રોડ બનાવવા ચૂકવવા બે મહીના અગાઉ મળેલી રોડ
કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરાઈ હતી.
ઉત્તર ઝોનમાં ૫૦ કરોડના અંદાજ સામે ૬૩ કરોડનો કોન્ટ્રાકટ
અપાયો
ઉત્તરઝોનમાં આવેલા નરોડા,સૈજપુર ઉપરાંત કુબેરનગર,સરદારનગર,
ઈન્ડિયાકોલોની અને બાપુનગર સહીતના અન્ય વોર્ડમાં સિમેન્ટના રોડ બનાવવા રુપિયા
૫૦ કરોડનો અંદાજ મુકાયો હતો.આમ છતાં રોડ કમિટીએ અંદાજથી વધુ ૨૭.૫૧ ટકા ભાવથી એટલે
કે રુપિયા ૬૩.૭૫ કરોડના ખર્ચથી સિમેન્ટના રોડ બનાવવા કોન્ટ્રાકટર વિજય ઈન્ફ્રા
પ્રોજેકટસને કોન્ટ્રાકટ અપાયો હતો.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સિમેન્ટના રોડના કામ નહીં આવે એમ કહયુ
હતુ
આ મહીનાની શરૃઆતમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં
ચેરમેન દેવાંગદાણીએ હવે પછી શહેરમાં સિમેન્ટના રોડ બનાવવાના કામ લાવવામા નહીં આવે
એમ કહયુ હતુ.જો કે આ પછી તરત જ રોડ કમિટીની બેઠકમાં દક્ષિણ ઝોનમાં ૬૦ ફુટથી ઓછી
પહોળાઈના રોડને સિમેન્ટના રોડ બનાવવા રુપિયા
૬૩ કરોડનુ ટેન્ડર મંજૂર કરાયુ છે.