વડોદરા, તા.31 વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગઇ રાત્રે દીપડાએ એક ગાયનું મારણ કરતા પાંજરૃ મૂકવાની માંગણી ઉઠી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પાસે આવેલા સાંગાડોલ ગામની સીમમાં પશુપાલક મફતભાઇ માઘાભાઇ પરમારના ઘર તેમજ ખેતરમાં ગાય સહિતના પશુઓ બાંધ્યા હતાં. દરમિયાન રાત્રે એક વાગે દીપડો આવ્યો હતો અને છ વર્ષની વયની ગાભણ ગાય પર હુમલો કરી મારણ કર્યું હતું. દીપડાના હુમલાના પગલે અવાજ થતા દીપડો ગાયને મારીને ભાગી ગયો હતો.
દરમિયાન મફતભાઇ પરમાર તેમજ આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને તપાસ કરતા સ્થળ પર દીપડાના પગલાં જણાયા હતાં. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ દીપડો છેલ્લા ઘણા સમયથી પંથકમાં ફરે છે અને વારંવાર ગામમાં આવીને પશુઓ પર હુમલો કરી મારણ કરે છે. અગાઉ કાંતિભાઇ ભીખાભાઇના વાછરડાનું પણ આ જ દીપડાએ મારણ કર્યું હતું. રાત્રે ખેતરમાં જતા પણ હવે ભય લાગે છે.
દીપડાના વારંવાર હુમલાના પગલે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા કર્મચારીઓ સ્થળ પર આવ્યા હતા અને દીપડાના ફોટા પાડીને જતા રહ્યા હતાં. ગ્રામજનોએ કહ્યું હતું કે દીપડો વારંવાર હુમલો કરે છે જેથી તેને પકડવા પાંજરુ મૂકવું જરૃરી છે. અગાઉ પાંજરુ મૂક્યું હતું ત્યારે દીપડો આવ્યો હતો પરંતુ તે છટકીને જતો રહ્યો હતો ત્યારબાદ તે ચેતી જતા હવે પકડાતો નથી.