– ઘણાદ ગામમાં 10 ગામના ખેડૂતોની બેઠક મળી
– કલેક્ટરનો આદેશ છતાં ઘુડખરને અભયારણ્ય સુધી હટાવવાનો પ્લાન અધિકારીઓએ તૈયાર જ નથી કર્યાનો આક્ષેપ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરના ત્રાસ મુદ્દે ઘણાદ ગામમાં ૧૦ ગામના ખેડૂતોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચિમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઘણાદ, સીતાપુર, ગંજેડા, ડુમાણા સહિતના ગામોમાં ઘુડખરે ધામા નાખ્યા છે જેને લઈને ખેડૂતોના કપાસ સહિતના પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે માત્ર ૬૦ ટકા જેટલો પાક બચ્યો છે બાકીનો તમામ પાક ઘુડખરો ખાઈ ગયાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના ૧૦થી વધુ ગામના ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરાઈ ત્યારે જિલ્લા કલેકટરે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર, ઘુડખર અભ્યારણના અધિકારીઓને બોલાવી ઘૂડખરોને અભયારણ્ય સુધી પહોંચાડવાનો પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું. ત્યારે પ્લાન તૈયાર નહીં કરી અધિકારીઓ ફોન પણ ન ઉઠાવતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્યારે ખેડૂતો દ્વારા હવે ગાંધીનગર સુધી ઘુડખર ના ત્રાસ મુદ્દે લડી લેવાની તૈયારી દેખાડવામાં આવી છે આ અંગે તમામ ગામના આગેવાનો દ્વારા ઘણાદ ગામ ખાતે બેઠક યોજવામાં આવી છે અને આગામી રણનીતિ નક્કી કરવામાં આવી છે. ગાંધીનગરમાં આંદોલન જેવો માર્ગ અપનાવો પડે તો પણ અપનાવશે તેવો બેઠકમાં નિર્ણય લેવાયો છે.