Keda News : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગુજરાતના નદી-નાળા અને ડેમ છલકાયા છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બીજી તરફ, હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ખેડા જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ શાળાઓ, આગંણવાડી આવતીકાલે સોમવારે (8 સપ્ટેમ્બર) બંધ રાખવા સૂચના આપી છે.
8 સપ્ટેમ્બરે શાળા-આંગણવાડીમાં રજા જાહેર
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા અખબારી યાદી જાહેર કરીને જણાવ્યું છે કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે સાબરમતી, મહી, વાત્રક, શેઢી સહિતની નદીઓમાં પૂરની સ્થિતિમાં કોઈ અણબનાવની ઘટના ન બને તેને લઈને સલામતીના ભાગરૂપે આવતીકાલે સોમવારે 8 સપ્ટેમ્બરના રોજ ખેડા જિલ્લાના તમામ આગંણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ
હજુ 2 દિવસ ભારે વરસાદનું ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે સોમવારે (8 સપ્ટેમ્બર) કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.