Online Gaming Bill 2025: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ઓનલાઈન ગેમિંગ બિલ 2025ની અસર તમામ ગેમિંગ કંપનીઓ પર થઈ છે. લોકસભા અને રાજ્યસભામાં આ બિલને મંજૂરી મળતાં ડ્રીમ 11, પોકરબાજી સહિતની કંપનીઓને તાળા વાગ્યા છે. હવે આ સેક્ટરની કંપની એમપીએલ અર્થાત મોબાઈલ પ્રીમિયર લીગ પર કાતર ચલાવવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેણે પોતાના 60 ટકા સ્ટાફની છટણી કરવાની તૈયારી કરી છે.
એમપીએલના 300 કર્મચારીની છટણી
મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા રિયલ મની ગેમ્સ પર અંકુશ લાદવા લાગુ કરવામાં આવેલા ગેમિંગ બિલના કારણે એમપીએલ પોતાના સ્થાનિક કર્મચારીઓની સંખ્યામાં આશરે 60 ટકા છટણી કરવાની તૈયારીમાં છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, સરકાર આ નવા કાયદા હેઠળ યોજના બનાવી રહી છે. બેંગ્લુરૂ સ્થિત આ યુનિકોર્નથી આશરે 300 લોકોને નોકરીમાંથી હાંકી કાઢવા નિર્ણય લીધો છે.
CEO એ કર્મચારીઓને જાણ કરી
અહેવાલ મુજબ, રવિવારે કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં એમપીએલના કો-ફાઉન્ડર અને CEO સાઈ શ્રીનિવાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કંપની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. કઠણ મન સાથે અમે નિર્ણય લીધો છે કે અમે અમારી ભારતીય ટીમમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરીશું. ભારત M-લીગની આવકમાં 50 ટકા ફાળો આપે છે અને આ બિલના કારણે અમે નજીકના ભવિષ્યમાં ભારતમાંથી કોઈ આવક મેળવી શકીશું નહીં.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 3 વર્ષમાં 16000 કરોડનું ડ્રગ્સ જપ્ત, 20 લાખથી વધુ લોકો ડ્રગ્સના બંધાણી
ગેમિંગ બિલની અસર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ઓગસ્ટ મહિનામાં ઓનલાઈન પેમેન્ટ ગેમ્સ પર પ્રતિબંધ લાદવા સંસદમાં ગેમિંગ બિલ પસાર કર્યું હતું. સરકારે રિયલ મનીની ગેમ્સના કારણે થતાં નાણાકીય જોખમ અને તેના વ્યસનના ભયનો ઉલ્લેખ કર્યો હતો, ખાસ કરીને યુવાનોમાં ઓનલાઈન બેટિંગ ગેમ્સનો ક્રેઝ વધ્યો છે. આ બિલને મંજૂરી મળતાં ક્રિકેટ, રમી અને પોકર ગેમ્સ ઓફર કરતી ઘણી ગેમિંગ એપ્સ બંધ થઈ છે. હવે ઓનલાઈન ગેમિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓને છટણી કરવાની ફરજ પડી રહી છે.
એમપીએલમાં આ મોટી છટણીની અસર માર્કેટિંગ, ઓપરેશનલ, એન્જિનિયરિંગ, કાનૂની અને નાણાકીય સહિત ઘણા વિભાગોમાં જોવા મળશે. જોકે, આ નિર્ણય વિશે માહિતી આપતાં CEOએ વધુમાં કહ્યું હતું કે, આ ફેરફાર દરમિયાન અસરગ્રસ્ત કર્મચારીઓને દરેક પ્રકારની મદદ કરવામાં આવશે. સરકારના પ્રતિબંધ પછી, ઓનલાઈન ગેમિંગ બિઝનેસને ભારે ફટકો પડ્યો છે. અગાઉ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ ઝડપથી વિકસતી ઈન્ડસ્ટ્રી વર્ષ 2029 સુધીમાં $3.6 અબજે પહોંચશે.