Stock Market Today: વૈશ્વિક પડકારો વચ્ચે વિકસી રહેલા ભારતીય અર્થતંત્રના આંકડાઓના કારણે શેરબજારમાં આજે સપ્તાહની શરુઆત પોઝિટીવ રહી હતી. વધુમાં ચીનમાં યોજાયેલી એસસીઓ બેઠકના સકારાત્મક સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો હતો.
સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખુલ્યા બાદ ઇન્ટ્રા ડે 597.19 પોઇન્ટ ઉછળ્યો હતો. જે અંતે 554.84 પોઇન્ટના ઉછાળે 80364.49 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 200થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે 24635.60ની ઇન્ટ્રા ડે હાઇ સપાટી નોંધાવ્યા બાદ અંતે 198.20 વધી 24625.05 પર બંધ રહ્યો હતો. એકંદરે શેરબજારમાં સુધારાના માહોલ સાથે રોકાણકારોની મૂડીમાં 5.21 લાખ કરોડનો વધારો થયો હતો.
માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4380 પૈકી 2795 શેર ગ્રીન ઝોનમાં જ્યારે 1391 શેર રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. 129 શેર વર્ષની ટોચે જ્યારે 113 શેર વર્ષના તળિયે નોંધાયા હતા. સેન્સેક્સ પેકમાં પણ સામેલ 30 સ્ક્રિપ્સ પૈકી સાત શેર 1.87 ટકા સુધી ઘટ્યા હતા. જ્યારે અન્ય 23માં 4 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
જીડીપીના મજબૂત આંકડા
ગત શુક્રવારે મોડી સાંજે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રથમ ત્રિમાસિકના જીડીપી આંકડાએ આજે શેરબજારની બાજી પલટી છે. ભારતનો Q1 જીડીપી ગ્રોથ અપેક્ષા કરતાં વધુ 7.8 ટકા નોંધાયો છે. જે મજબૂત આર્થિક ગતિવિધિનો સંકેત આપે છે. આ આંકડાએ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કર્યો છે. જેથી આજે મોટાભાગના સેક્ટર્સમાં નીચા મથાળે ખરીદી વધી હતી.
3 દેશોના વડાની એકજૂટતાએ આપ્યો સકારાત્મક સંકેત
આજે ચીનમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ચીન, રશિયા અને ભારતની એકજૂટતા અને સહયોગે ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે સકારાત્મક સંકેત આપ્યો છે. આ ત્રણેય દેશોએ અમેરિકાની ટેરિફ નીતિને વખોડી છે. એસસીઓના સભ્ય દેશોએ એકજૂટ થઈ પોતાના દેશના વિકાસમાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જેની અસર પણ બજાર પર જોવા મળી હતી.
યુએસ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો
યુએસની અપીલ કોર્ટે ગત સપ્તાહે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો હતો. અપીલ કોર્ટે 14 ઑક્ટોબર સુધી ટેરિફ લાગુ રાખવા મંજૂરી આપી છે. અપીલ કોર્ટે પોતાના ચુકાદાને યુએસ સુપ્રીમ કોર્ટમાં પડકારવા ટ્રમ્પ સરકારને સમય આપ્યો છે.
ઓટો શેર્સમાં આકર્ષક ઉછાળો
આજે ઓટો શેર્સમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. દેશની દિગ્ગજ ઓટો કંપનીઓએ ઓગસ્ટમાં આકર્ષક વેચાણ નોંધાવતાં ઓટો ઇન્ડેક્સ આજે 2.68 ટકા ઉછાળે બંધ રહ્યો હતો. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 2.07 ટકા ઉછળ્યો હતો. જ્યારે આઇટી, ટૅક્નોલૉજી, પાવર, મેટલ, ઓઇલ-ગેસ, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1.50થી 2 ટકાના સ્તરે વધ્યા હતા.