મુંબઈ : અમેરિકા ખાતેથી ટેરિફના પડકારો વચ્ચે પણ સમાપ્ત થયેલા ઓગસ્ટમાં દેશમાં મજબૂત ઘરેલુ માગને પરિણામે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી સત્તર કરતા વધુ વર્ષની ટોચે જોવા મળી છે. ઓગસ્ટમાં ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) વધી ૫૯.૩૦ રહ્યો હોવાનું એક સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પીએમઆઈ જે જુલાઈમાં ૫૯.૧૦ સાથે ૧૬ મહિનાની ટોચે હતો તે ઓગસ્ટમાં વધી ૫૯.૩૦ રહ્યો છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
સતત પચાસ મહિનાથી પીએમઆઈ ૫૦થી ઉપર જોવા મળી રહ્યો હોવાનું તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. માગમાં જોરદાર વધારાને કારણે દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિને વધુ ગતિ મળી છે. ઊંચી માગને કારણે ફેકટરીઓને ઓર્ડરમાં વધારો થયો હતો. ૫૯.૩૦નો પીએમઆઈ કામકાજની સ્થિતિ ૧૭.૫૦ વર્ષની સૌથી સારી રહી હોવાનો સંકેત આપે છે.
નવા ઓર્ડરોની માત્રા ૫૭ માસની ટોચે રહેતા ઉત્પાદન વોલ્યુમમાં પણ વધારો જોવા મળ્યો છે. કાચા માલની માગ વધતા તેના ઉત્પાદનમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે ત્યારબાદ કેપિટલ ગુડસ અને કન્ઝયૂમર ગુડસના ઉત્પાદનમાં વધારો થયો છે.
અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણયને પરિણામે નિકાસ ઓર્ડરમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ટેરિફની અનિશ્ચિતતા વચ્ચે અમેરિકાના આયાતકારોએ નવા ઓર્ડર આપવાનું મોકૂફ રાખ્યું હતું.
જો કે ઓર્ડરની એકંદર સ્થિતિ મજબૂત રહી છે જે ઘરેલું માગ જોરદાર હોવાનું સૂચવે છે. ઘરેલુ માગ જોરદાર રહેતા ટેરિફને લગતી અસર ઓગસ્ટમાં હળવી રહ્યાનું કહી શકાય એમ છે.
ભાવિ ઉત્પાદન માટે ઉત્પાદકોના જળવાઈ રહેલા આશાવાદ એક પોઝિટિવ સંકેત છે. નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિ પાંચ મહિનાની નીચી સપાટીએ રહી છે.
ભારતના ઉત્પાદકોને એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ તથા અમેરિકા ખાતેના કલાયન્ટસ તરફથી નવા ઓર્ડરો પ્રાપ્ત થયા છે. કાચા માલના ખર્ચમાં વધારો ચાલુ રહ્યો છે, જેને કારણે ફિનિશ્ડ ગુડસની કિંમત વધવા પામી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.