RTO News : ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન માલિકોને મોટી રાહત આપવાની જાહેરાત કરી શકે છે. હવેથી વાહન માલિકો પોતાના જૂના વાહનનો નંબર નવા વાહન પર પણ મેળવી શકશે. આ માટે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ ‘રીટેન્શન પોલિસી’ જાહેર કરશે.
આ નવી પોલિસી મુજબ, જે વાહન માલિક પોતાનું જૂનું વાહન વેચી રહ્યા છે અથવા તો સ્ક્રેપમાં આપી રહ્યા છે, તેઓ નિયત ફી ભરીને તેમનો જૂનો નંબર નવા વાહન માટે સુરક્ષિત કરાવી શકશે. આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે.
માલિકે જૂનું વાહન વેચ્યા બાદ માલિકે 60 દિવસની અંદર નવું વાહન ખરીદવું ફરજિયાત રહેશે. જૂના વાહનની માલિકી ઓછામાં ઓછી એક વર્ષ સુધી તે જ વ્યક્તિના નામે હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિએ એક વર્ષથી ઓછા સમય માટે વાહન રાખ્યું હશે, તો તેને આ પોલિસીનો લાભ મળશે નહીં.
આ નિર્ણયથી વાહન માલિકોને પોતાના મનપસંદ નંબર જાળવી રાખવાની સુવિધા મળશે, જે ખાસ કરીને ફેન્સી કે લકી નંબર ધરાવતા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. સરકારના આ પગલાથી વાહન માલિકોની સુવિધામાં વધારો થશે અને વાહન ખરીદીની પ્રક્રિયા વધુ સરળ બનશે.