– બે દિવસીય બેઠકમાં તમામ રાજ્યોના નાણાપ્રધાનો હાજર રહેશે
– જીએસટી સુધારાઓના પ્રસ્તાવ પર ચર્ચા થશે : ચાર સ્લેબને બદલે પાંચ અને 18 ટકાના બે જ સ્લેબ રાખવાનો પ્રસ્તાવ
– વિરોધ પક્ષના શાસન ધરાવતા રાજ્યો વળતરની માંગ કરે તેવી શક્યતા : 12 અને 28 ટકાના બે સ્લેબ રદ કરવાની યોજના
– 12 ટકાના સ્લેબમાં આવતી 99 ટકા વસ્તુઓને પાંચ ટકા સ્લેબમાં જ્યારે 28 ટકા સ્લેબમાં આવતી 90 ટકા વસ્તુઓ 18 ટકા સ્લેબમાં આવરી લેવાનો પ્રસ્તાવ
નવી દિલ્હી : આવતીકાલથી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં માખણથી લઇને ઇલેક્ટ્રોનિક્સ સુધીની દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડવા માટે જીએસટીના મહત્ત્વકાંક્ષી સુધારાઓ પર વિચાર કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્ર ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા જીએસટી નાખવા માટે દબાણ કરે તેવી શક્યતા છે.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં તમામ રાજ્યોના નાણા પ્રધાન પણ હાજર રહેશે. આ બેઠકમાં કેન્દ્રના જીએસટી સુધારા અંગેના પ્રસ્તાવ અંગે ચર્ચા કરવામાં આવશે. પ્રસ્તાવ મુજબ સરકાર જીએસટીના ચાર સ્લેબને બદલે ૫ અને ૧૮ ટકાના બે જ સ્લેબ રાખવા માંગે છે. સરકાર ૧૨ અને ૨૮ ટકાનો સ્લેબ રદ કરવા માંગે છે. આ પ્રસ્તાવમાં કેટલીક વસ્તુઓ પર સ્પેશિયલ ૪૦ ટકા જીએસટી નાખવાની યોજના છે.
ટેક્સ સ્લેબમાં ઘટાડો અને તેના કારણે થનારા ભાવ ઘટાડાનું સ્વાગત કરવામાં આવ્યું છે. જો કે વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યોએ આ ફેરફારને કારણે થનારા આવકના નુકસાનની ભરપાઇ કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે ૫,૧૨,૧૮ અને ૨૮ ટકાના જીએસટીના ચાર સ્લેબનો અમલ ૧ જુલાઇ, ૨૦૧૭થી કરવામાં આવ્યો હતો. તે સમયે કેન્દ્ર અને રાજ્યો એક્સાઇઝ ડયુટી અને વેટ સહિતના કરોને એક સમાન ટેક્સમાં સમાવિષ્ટ કરવા સંમત થયા હતાં.
જો કે જીએસટી વળતર અંગેનું માળખું જૂન, ૨૦૨૨ના રોજ પૂર્ણ થતાં પાંચ વર્ષ માટે હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના ભાષણમાં જીએસટી સુધારાઓની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ૧૨ અને ૨૮ ટકાના સ્લેબને દૂર કરવા અને સામાન્ય માણસને લાભ થાય તે માટે ટેક્સનો દર ઘટાડવાના કેન્દ્રના પ્રસ્તાવને મંત્રીઓના જૂથે સંમતિ આપી છે.
કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ હાલમાં ૧૨ ટકાના સ્લેબમાં આવતી ૯૯ ટકા વસ્તુઓને પાંચ ટકા સ્લેબમાં આવરી લેવામાં આવશે. જ્યારે ૨૮ ટકા સ્લેબમાં આવતી ૯૦ ટકા વસ્તુઓ ૧૮ ટકા સ્લેબમાં આવરી લેવામાં આવશે.
ઘી, ડ્રાય ફ્રૂટ, પીવાનું પાણી (૨૦ લિટર), નમકીન, ફૂટવેર, દવાઓ, મેડિકલ ઉપકરણોને ૧૨ ટકાના સ્લેબમાંથી પાંચ ટકાના સ્લેબમાં લઇ જવાનો પ્રસ્તાવ છે. પેન્સિલ, સાયકલ, છત્રાીઓ, હેર પિનને પણ પાંચ ટકા સ્લેબમાં લઇ જવાનો પ્રસ્તાવ છે.
ટીવી, વોશિંગ મશીન અને રેફ્રરિજરેટરને ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૮ ટકાના સ્લેબમાં લઇ જવાનો પ્રસ્તાવ છે. તમાકુ, પાન મસાલા અને સિગારેટ જેવી વસ્તુઓને સ્પેશિયલ ૪૦ ટકા રેટવાળા સ્લેબમાં લઇ જવાની શક્યતા છે.