Morbi News : સુરેન્દ્રનગરના સાયલાના શ્રમિક પરિવારે મોરબી પોલીસ પર આરોપ લગાવ્યા છે, ત્યારે મોરબીના રફાળેશ્વર ખાતે અમાસના મેળામાંથી દેવીપૂજક સમાજની દીકરીઓને ચોરીના ખોટા આરોપમાં અટકાયત કરીને મોરબી પોલીસે માર માર્યો હતો. સમગ્ર ઘટના મામલે પરિવારજનોએ મોરબી પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને આ મામલે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર એસપી, જિલ્લા કલેક્ટર સહિત રાજ્ય ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને ન્યાય મળે તેવી માગ કરવામાં આવી હતી.
ત્રણ સગીરાના પરિવારજનોનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, મોરબીના રફાળેશ્વર ખાતે અમાસના મેળામાંથી દેવીપૂજક સમાજની ત્રણ સગીર દીકરીઓને મોરબી પોલીસે પોલીસે અટકાયત કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. પીડિત સાયલાના બ્રહ્મપુરી ગામના હોવાનું સામે આવ્યું છે.
દીકરીઓના પરિવારજનોનું કહેવું છે કે, પોલીસે અમારી દીકરી પર રૂ.4 લાખના સોનાનો હાર ચોરી કર્યો હોવાનો ખોટો આરોપ લગાવ્યો છે. જેને લઈને પોલીસે દીકરીઓને ચાર-પાંચ દિવસ પોલીસ સ્ટેશનમાં રાખીને માર મારતા યુવતીઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
આ પણ વાંચો: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી
ત્રણેય દીકરીઓ સગીર છે. પરિવારજનોએ મોરબી પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પોલીસે કેસમાંથી બચવાં બે લાખની માગ કરી હતી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પરિવારે રાજ્યગૃહ વિભાગ અને જિલ્લા પોલીસ અને કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય ન્યાયની માંગણી કરી છે.