Protest in Rajula: અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકા કચેરી ખાતે છેલ્લાં ચાર દિવસથી સફાઈ કામદારો પોતાની વિવિધ માંગણીઓને લઈને ધરણા પર ઉતર્યા છે. આશરે 100થી વધુ સફાઈ કામદારો એકઠા થઈને નગરપાલિકા કચેરી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
સફાઈ કામદારોએ આક્ષેપ લગાવ્યો છે કે પાલિકામાં ખાલી જગ્યાઓ હોવા છતાં કાયમી જગ્યા ભરવામાં આવતી નથી. અગાઉ રાજુલા પાલિકામાં 130 જેટલા સફાઈ કામદારો કામ કરતા હતા, જ્યારે આજે ફક્ત 30 જેટલા સફાઈ કામદારો જ કામ કરી રહ્યા છે. આ કામદારોની મુખ્ય માંગ એ છે કે 15-15 દિવસના વારાની પદ્ધતિ બંધ કરીને તેમને કાયમી ધોરણે કામ આપવામાં આવે. સફાઈ કામદારોના આ ધરણાને કારણે છેલ્લા ચાર દિવસથી રાજુલા શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પરિણામે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.
પાલિકા દ્વારા અન્ય એજન્સીઓ પાસેથી સફાઈ કરાવવાનો પ્રયાસ કરવામાં આવતા સફાઈ કામદારોએ તેનો વિરોધ કર્યો અને સફાઈના સાધનો આંચકી લીધા હતા. આ ઘટના બાદ પોલીસે 30થી વધુ સફાઈ કામદારોની અટકાયત કરી હતી. સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વિકારવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું આંદોલન અને ધરણા ચાલુ રહેશે.
