મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) ટેકસમાં ઘટાડાથી ઘરઆંગણે ઉપભોગમાં વધારો થશે પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલ ૫૦ ટકા ટેરિફને કારણે નિકાસકારોને પડેલા મારની તે સંપૂર્ણ ઔષધ નહીં હોવાનો નિકાસકારો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ અને જીએસટીને કોઈ સીધો સંબંધ નહીં હોવાનો પણ મત વ્યકત કરાઈ રહ્યો છે.
જીએસટીમાં ઘટાડાથી દેશના આર્થિક વિકાસ દરને મર્યાદિત ટેકો મળી રહેશે અને જીએસટીની વસૂલીનો આંક નિકાસમાં થનારા નુકસાનને ભરપાઈ કરી શકાય એટલો નહીં હોય એવી પણ દલીલ કરવામાં આવી રહી છે.
જીએસટીમાં ઘટાડાથી દેશના લોકોની ખરીદ શક્તિમાં વધારો કરાવશે અને તેમને કામચલાઉ રાહત આપશે. જો કે આવકમાં પડનારી તૂટ પૂરી નહીં થઈ શકે. વેપાર વાતાવરણ સુધારવા વિસ્તૃત સુધારા અને લાબાં ગાળાની આર્થિક સ્થિતિસ્થાપકતા ઊભી કરવાની આવશ્યકતા હોવાનું પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
જીએસટી ઘરઆંગણે વેચાતા માલસામાન પર વસૂલવામાં આવે છે અને નિકાસ પર નહીં માટે આનાથી નિકાસકારોને ખાસ રાહત જોવા મળવાની શકયતા જણાતી નથી એમ એક નિકાસકારે જણાવ્યું હતું.
જીએસટીમાં ઘટાડાથી કેશ ફલોમાં વધારો થશે પરંતુ અમેરિકાના ટેરિફની અસરને તે સંપૂર્ણ રીતે હળવી નહીં કરી શકે. ટેરિફને કારણે અમેરિકામાં ભારતના માલસામાનની કિંમતમાં વધારો થશે અને સ્પર્ધાત્મકતા ઘટાડશે એમ પણ તેમણે મત વ્યકત કર્યો હતો.
કાચા માલમાં ઘટાડાથી નિકાસકારોને લાભ થશે પરંતુ ઘરઆંગણેની માગમાં વધારો સ્થાનિક સ્તરને જ ટેકો આપશે. અસર પામેલા નિકાસકારો માટે આ કોઈ વિકલ્પ હોવાનું જણાતું નથી એમ એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.
ટ્રમ્પના ટેરિફ અને જીએસટીને કોઈ સીધો સંબંધ નથી. ટેરિફની અસરને જીએસટીના સુધારાથી ભરપાઈ કરી શકાશે નહીં એમ ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું. જીએસટીમાં ઘટાડાથી નિકાસકારોના ફરજપાલનના ખર્ચમાં ઘટાડો નહીં થાય તેવો પણ તેમણે દાવો કર્યો હતો.