ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ : મોરબી 2 ઈંચ, રાજકોટમાં અર્ધો ઈંચ : છત્તીસગઢ પર લોપ્રેસર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત પર ટ્રોફ વગેરે ભારે વરસાદ લાવતી સીસ્ટમ સક્રિય
રાજકોટ, : તા. 6ના શનિવારે સૌરાષ્ટ્રમાં અંદાજે 20,000 થી વધુ ગણપતિના ધામધૂમથી વિસર્જન થવાના છે ત્યારે વરસાદનું જોર વધ્યું છે અને આવતીકાલે તેમજ શનિવારે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, સોમનાથ, કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. એકંદરે તા. 11 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર વધારે રહેવાની સંભાવના છે.
લાંબા સમયના વિરામ બાદ આજે સૌરાષ્ટ્રમાં હવામાન પલટાયું હતું અને અવિરત ઉઘાડ-ધૂપછાંવની જગ્યાએ આકાશમાં વાદળો ધસી આવ્યા હતા. રાત્રિના 8 સુધીમાં રાજકોટમાં અર્ધો ઈંચ, મોરબી જિલ્લામાં 2 ઈંચ સુધી સહિત રાજ્યના 156 તાલુકામાં ઝાપટાંથી 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
ઉત્તર છત્તીસગઢ ઉપર લો પ્રેસરની સીસ્ટમ કે જે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે તો બીજી તરફ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત થઇીને ટ્રાફ સહિત ભારે વરસાદ લાવતી સીસ્ટમ સક્રિય બની છે. જેના પગલે વરસાદનું જોર વધારે રહેશે તેમજ દરિયામાં 65 કિમી સુધીની ઝડપે મીની વાવાઝોડુ ફૂંકાશે. આજે સોમનાથ, દિવ સહિત ગુજરાતની દક્ષિણે આવેલા તમામ બંદરોએ ભયસૂચક સિગ્નલ-3 લગાડાયું હતું.