વાવોલમાં રહેતી મહિલાને પતિ અને સાસુનો ત્રાસ
પિયરમાંથી આપવામાં આવેલા દાગીના નબળી કક્ષાના હોવાનું કહી ત્રાસ અપાતો ઃ મહિલા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલમાં ખાતે રહેતી પરણીતાને પતિ
અને સાસુ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. તેણીને ગર્ભપાત
કરાવવા માટે સાસુ દબાણ કરતા તો પતિએ બારોબાર લોન લઈ લીધી છે. જેના કારણે તેણીને
નોટિસ મળી હતી હાલ આ અંગે મહિલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.
હાલમાં સમાજમાં મહિલા અત્યાચારની ઘટનાઓ વધી રહી છે ત્યારે
ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ખાતે રહેતી એક મહિલા પતિ અને સાસુના ત્રાસનો ભોગ
બની છે. જે સંદર્ભે પોલીસ પુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે આ મહિલાના લગ્ન બે વર્ષ
અગાઉ અમદાવાદ ખાતે થયા હતા અને શરૃઆતના આઠ મહિનામાં તેમનું લગ્ન જીવન સુખેથી
ચાલ્યું હતું. જોકે આ લગ્નજીવન બાદ તેઓ ગર્ભવતી થયા હતા અને આ દરમિયાન તેમના સાસુ
દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હતા અને ગર્ભપાત કરાવવા માટે દબાણ પણ કરવામાં
આવતું હતું. બીજી બાજુ શ્રીમંતના પ્રસંગ બાદ તેમના પિયરમાંથી આપવામાં આવેલા દાગીના
હલકી કક્ષાના હોવાનું કહીને સાસુ દ્વારા મહેણાં-ટોણાં મારીને ઝઘડો કરવામાં આવતો
હતો. એટલું જ નહીં આ દાગીના દહેજ તરીકે લઈ પણ લેવામાં આવ્યા હતા. પતિ અને સાસુ
દ્વારા આપવામાં આવતા શારીરિક માનસિક ત્રાસને કારણે તેણી કંટાળી ગઈ હતી. આ દરમિયાન
સાસુએ તેની સાથે વાત કરવાનું બંધ કરીને જતા રહેવા માટે કહી દીધું હતું. પતિ દ્વારા
પણ તેણીને પિતાના ઘરે રહેવા માટે દબાણ કરવામાં આવતું હતું અને તેણીનો મોબાઇલ ફોન
પણ બ્લોકમાં મૂકી દીધો હતો. આ મહિલા દ્વારા સાસરીમાં જવા માટે ત્રણ ત્રણ વખત
પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેણીને લઈ જવામાં આવી ન હતી અને પતિ દ્વારા તેની જાણ
બહાર ૫.૭૧ લાખની લોન પણ લઈ લેવામાં આવી છે અને હપ્તા નહીં ભરતા આ મહિલાને નોટિસો
મળી રહી છે. આખરે કંટાળીને તેણીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ
અને સાસુ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.