– ખાલી ડોલ, વાસણો, નોઝલ, કેરબા સાથે હલ્લાબોલ કરી વિરોધ કર્યો
– સંતસવૈયાનાથ ટાઉનશીપ તેમજ ઠાકરનગરના અંદાજે ૪૦૦થી વધુ પરિવારોને પુરતું પીવાનું પાણી ન મળતા હાલાકી ઃ કમિશનરે ૧૫ દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની હૈયાધારણા આપી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા કચેરીમાં સંતસવૈયાનાથ ટાઉનશીપ તેમજ ઠાકરનગરની મહિલાઓએ ીવાનું પાણી પુરતું તેમજ નિયમીત આપવામાં ન આવતું હોવાથી હલ્લાબોલ કર્યો હતો અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી. વિસ્તાર અંદાજે ૪૦૦થી વધુ પરિવારોને પુરતું પીવાનું પાણી ન મળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. મહિલાઓનો વિરોધ જોઇ મનપા કમિશનરે ૧૫ દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની હૈયાધારણા આપી છે.
વઢવાણના મુળચંદ રોડ પર આવેલા સંત સવૈયાનાથ ટાઉનશીપ તેમજ ઠાકરનગરમાં રહેતા પરિવારોને છેલ્લા ઘણા સમયથી મનપા તંત્ર દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું નથી. આ વિસ્તારમાં જીયુડીસી દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઈપલાઈન પાછળ અંદાજે ૩૨ કરોડ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાંય મનપા તંત્રની બેદરકારી અને અણઆવડતા કારણે અનિયમીત તેમજ ઓછા ફોર્સથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે અંદાજે ૪૦૦થી વધુ પરિવારોને હાલાકી પડી રહી છે અને ન છુટકે બહારથી વેચાતું પાણી મંગાવવામાં આવી રહ્યું છે.
આ અંગે અગાઉ સ્થાનીક રહિશો અને મહિલાઓ દ્વારા રેલીઓ, ધરણા, આવેદન પત્ર સહિતના કાર્યક્રમો સંયુક્ત પાલિકાના શાસનમાં કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા હાલ ભરઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ત્યારે મોટીસંખ્યામાં સ્થાનીક મહિલાઓ અને રહિશો મનપા કચેરી ખાતે ઉમટી પડયા હતા અને ખાલી ડોલ, વાસણો, પાણી ભરવાની નોઝલ, કેરબા સાથે હલ્લાબોલ કર્યો હતો તેમજ સ્થાનીક રહિશ દ્વારા મનપા કચેરીના પટાંગણમાં અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરતા થોડા સમય માટે પોલીસ સાથે રકઝક પણ થઈ હતી. ત્યારબાદ મનપાના કમીશ્નરની ચેમ્બરમાં પાણીના મુદ્દે રજુઆત કરવામાં આવી હતી અને પાણીની વર્ષો જુની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી.
મનપાના કમીશ્નર દ્વારા એન્જીનીયર તેમજ ડેપ્યુટી કમીશ્નરને સ્થળ પર મુલાકાત લઈ પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની મૌખીક સુચનાઓ આપી હતી તેમજ સ્થાનીક મહિલાઓને પણ આગામી ૧૫ દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ તકે સ્થાનીક આગેવાનો દ્વારા પાણીની મુખ્ય પાઈપલાઈનમાંથી અમુક અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે પાણીચોરી થતી હોવાની તેમજ પાણીની ટાંકીએથી પણ ટેન્કરોનો ગેરવહિવટ ચાલતો હોવાથી પુરા પ્રમાણમાં રહિશોને પાણી ન મળતું હોવાનો આક્ષેપ કર્યો હતો.