– મહુધા અને કઠલાલ તાલુકાને જોડતા
– 50 થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી લુણી નદી પર નવો પુલ બનાવવા માંગ
નડિયાદ : મહુધા અને કઠલાલ તાલુકાના ગામોને જોડતા રસ્તા પર લુણી નદીના પાણી ફરી વળ્યા છે. પાણીના કારણે અનારા અને મહીસા રોડ પરથી અવરજવર કરવામાં લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે લુણી નદી પર નવો પુલ બનાવવા માંગણી ઉઠી છે.
મહુધા તાલુકાના મહીસાથી કઠલાલ તાલુકાના અનારા ગામને જોડતા રસ્તા પર ભારે વરસાદ થતાં લુણી નદીના પુલ પર પાણી ભરાઇ ગયા છે. પરિણામે વટવટીયા, કાકલીયા, ઓધારજીના મુવાડાના રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે.
આ ગામડાના લોકોને રોજીંદા કામો તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓ તથા શાકભાજીની ખરીદી કરવા માટે કઠલાલ શહેર નજીક હોવાથી સરળતા રહે છે. ચોમાસામાં વરસાદ થતાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ પુલ પર પાણી ભરાતા કઠલાલ શાળામાં જઈ શકતા નથી. લુણી નદી પર નવો પુલ બનાવવા રજૂઆતો કરવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. દર વર્ષે ચોમાસામાં પુલ પર બે- ત્રણ ફૂટ પાણી ભરાઇ જતા ગ્રામ્ય વિસ્તારના લોકોને અવર-જવર કરવામાં હાલાકી ભોગવવા મજબૂર બનવું પડે છે. મહિસા અનારા રોડ પર નવો પુલ બનાવવા માંગણી ઉઠી છે.