Flood in Dholka-Kheda: રાજ્યભર સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને નદીઓમાં પાણીના વધેલા સ્તરને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતા ધોળકા અને ખેડા તાલુકાઓમાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં ખાસકરીને ધોળકાથી સરખેજ તરફ જતો હાઇવે બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ખેડાથી ધોળકા જતો હાઇવે બંધ કરવામાં આવતા વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
➡️ખેડા
➡️સાબરમતી નદી કિનારાનાં ગામોમાં ઘૂસ્યા પાણી
➡️રસિકપુરા,નાની કલોલી અને પથાપુરા વિસ્તારમાં પાણી ભરાયાં
➡️ખેડા ધોળકા સ્ટેટ હાઈવે થયો બંધ
➡️લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતાં ગામોમાં ઘૂસ્યા પાણી
➡️અત્યારે ગામમાં કેડ સમા પાણી ભરાયાં;
➡️તેના કારણે ગામો થયા સંપર્ક વિહોણા… pic.twitter.com/x1Ze10as3R
— DD News Gujarati (@DDNewsGujarati) September 8, 2025
ધોળકામાં પૂરની સ્થિતિ
ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉપરવાસમાં વરસાદના લીધે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતા ધોળકાના આંબલીયારા, કોદાળીયાપરા, ખાત્રીપુર, વૌઠા, સાથળ, સહીજ, ગિરદ, બદરખા, અને ભાત સહિતના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે.
આ પણ વાંચો: VIDEO: કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ
રસ્તાઓ બંધ
સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે ધોળકાથી સરખેજ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ખેડા શહેરને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પણ વરસાદી પાણી ફરી વળતા બંધ થઈ ગયો છે. આ ઉપરાંત, ખેડા-ધોળકા રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના સુઇગામમાં 16 ઈંચ તો કચ્છના રાપરમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, આજે શાળા-કોલેજો બંધ
માતર તાલુકામાં પૂર
સાબરમતી નદીમાં પૂર આવતા ખેડા જિલ્લાના માતર તાલુકામાં તારાજી સર્જી છે. પાલ્લા, માતર, રસીકપુરા અને નધાનપુર સહિત આસપાસના ગામોમાં સાબરમતી અને વાત્રક નદીના પાણી ઘૂસી ગયા છે.
ચિંતાજનક પરિસ્થિતિ
સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતા અમદાવાદ શહેરમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાવચેતીના ભાગરૂપે ગાંધી બ્રિજ નીચેનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદી કિનારાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. SDRF અને NDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.