Panchmahal News : પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને પગલે તાલુકાનો કરાડ ડેમ તેની 142 ફૂટની ભયજનક સપાટીએ પહોંચ્યો છે, જેના પરિણામે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
કરાડ ડેમ ભયજનક સપાટીએ, 24થી વધુ ગામોને સાવચેત રહેવા સૂચના
વહીવટી તંત્ર દ્વારા ડેમના નીચેના વિસ્તારોમાં આવેલા 24થી વધુ ગામોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. આ ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવાયું છે.
વરસાદ અને ડેમમાં પાણીની આવક વધવાને કારણે અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. બોરીયા-મઠ જેકનપુરા રસ્તો પાણીમાં ગરકાવ થવાથી વાહનચાલકો માટે બંધ કરી દેવાયો છે. લોકોને હવે રાજગઢ તરફથી લાંબો વૈકલ્પિક રસ્તો લેવાની ફરજ પડી રહી છે. ઉપરાંત, ધનેશ્વર અને નવાકુવા વિસ્તારના ક્રોસ વે પર પણ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર થંભી ગયો છે.
આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બોરીયા અને મઠ જેકનપુરા પુલ પર બે ફૂટથી વધુ પાણી ફરી વળ્યું હોવાથી લોકોને આ રસ્તાનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે.