અમદાવાદ,સોમવાર
વિરાટનગરમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનની ઓફિસમાં લાંચ રૃશ્વત વિરોધી બ્યુરો દ્વારા છટકુ ગોઠવીને પ્રોપર્ટી ટેક્ષ આકરણીના નામે અલગ અલગ કારણ બતાવીને ગેરકાયદે નાણાં પડાવતા કોર્પોરેશનના નિવૃત કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીના અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે કોર્પોરેશનના અધિકારીઓ વતી નાણાાં ઉઘરાવતો હોવાની શક્યતા છે.
લાંચ રૃશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓને બાતમી મળી હતી કે વિરાટનગરમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં પ્રોપર્ટી ટેક્ષમાં કોમર્શીયલ અને રહેણાંક મકાનની આકારણીની કામગીરીમાં એએમસીના કર્મચારીઓ અલગ કારણ આપીને એક હજારથી માંડીને ૧૦ હજાર રૃપિયાની લાંચની ઉઘરાણી કરે છે. જે અંગે એસીબીએ ડીકોયનું આયોજન કર્યું હતું. જેમાં ગોવિંદ ડાભી (રહે. આરોહી એલીઝીયમ, બોપલ) નામના વ્યક્તિએ પ્રોપર્ટીની આકારણી કરવાના બદલામાં ચાર હજારની માંગણી કરી હતી.જેને એસીબીએ ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું ગોવિંદ ડાભી અગાઉ કોર્પોરેશનમાં નોકરી કરતો હતો અને નિવૃત થયા બાદ તે મિલકત આકારણીના નામે લાંચ લેતો હતો. જેમાં તેની સાથે કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓની મિલિભગતના પુરાવા પણ મળ્યા છે.