– એલએસીથી એક હજાર કિલો સોનું ગેરકાયદે ઘૂસાડાયું
– ચીન-ભારતના બે નાગરિક માસ્ટરમાઇન્ડ, 10ની અટકાયત ચીનથી ઘૂસાડેલું સોનું લદ્દાખથી દિલ્હી લવાતું હતું
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચેની સરહદ એલએસી પર સોનાની તસ્કરીના રેકેટનો ખુલાસો થયો છે. આ રેકેટની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડીએ કહ્યું છે કે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન ચીન, તિબેટના નાગરિકો અને કેટલાક સ્થાનિક લોકોએ રૂપિયા ૮૦૦ કરોડના એક હજાર કિલો સોનાની તસ્કરી કરી છે.
કેન્દ્રીય એજન્સી ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તે આ ક્રિમિનલ પ્રવૃત્તિમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ કાયદો એટલે કે ફેમા હેઠળ કાર્યવાહી કરી રહી છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાંં આઇટીબીપીના જવાનોએ ૧૦૮ કિલો વિદેશી સોનાના બાર જપ્ત કર્યા હતા. જે બાદથી ઇડી દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. બોર્ડર ગાર્ડિંગ ફોર્સના જવાનોએ ત્રણ સ્થાનિકોની આ સોના સાથે ધરપકડ કરી હતી. ઇડીએ જણાવ્યું હતું કે મંગળવારે એનસીઆર અને લદ્દાખમાં આ મામલે દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરાઇ હતી. ડીઆરઆઇએ પણ આ કેસની તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું કે આશરે ૧૦૬૪ કિલો સોનાની તસ્કરી થઇ હતી અને તેની રકમ ક્રીપ્ટોકરંસીમાં થઇ હતી.
ડીઆરઆઇએ તસ્કરી રોકવા માટેના કાયદા હેઠળ ૧૦ લોકોની અટકાયત કરી હતી. જેઓ હાલ પણ કસ્ટડીમાં છે. ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે ચીનના નાગરિક ભુ-ચુમ દ્વારા ભારતમાં તેંડુ તાશી નામના વ્યક્તિને આ વિદેશી સોનું મોકલવામાં આવી રહ્યું હતું. લદ્દાખથી દિલ્હી સુધી આ ગેરકાયદે સોનું પહોંચાડવામાં માસ્ટરમાઇન્ડ તરીકે તાશીનું નામ સામે આવ્યું છે. તાશીએ જ અન્યોની મદદથી ભારતમાં એક હજાર કિલો સોનું ગેરકાયદે ઘૂસાડયું હતું.