– 24 મીટર રોડ બનાવવાના કામમાં નડતરૂપ દબાણ હોવાથી નોટિસ અપાઈ હતી
– 2 રૂમ, 1 બાથરૂમ, 2 દીવાલ, 2 ઓટલા વગેરે દબાણ દૂર કર્યા, 5550 ચો. મી., જમીન ખુલ્લી કરાઈ
ભાવનગર : ભાવનગર શહેરમાં અનેક ગેરકાયદે દબાણ આવેલા છે પરંતુ મહાપાલિકા દ્વારા કામગીરી કરવાની હોય ત્યારે જ દબાણ દૂર કરવામાં આવે છે, આવુ જ આજે ફુલસર વિસ્તારમાં જોવા મળ્યુ હતું. આ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી હાથ ધરવાની હોવાથી મહાપાલિકાએ ૧૦ થી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યા હતાં.
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ ટીમ દ્વારા આજે મંગળવારે ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે રહીને શહેરના ચિત્રા, ટી.પી. સ્કીમ નં. ૨/બી, ફુલસર વિસ્તારમાં આવતા ૨૪ મીટર રોડ બનાવવાના કામમાં નડતરરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા, જેમાં ૦૨ રૂમ, ૦૧ બાથરૂમ, ૦૨ દીવાલ, ૦૨ ઓટલા અને અન્ય દબાણો દુર કરવામાં આવ્યા હતાં. મહાપાલિકાએ દબાણ હટાવી ૫૫૫૦ ચો.મી જમીન ખુલ્લી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ દબાણ ઘણા વર્ષથી હતા અને આ દબાણ દૂર કરવા મહાપાલિકાએ બે-ત્રણ માસ પૂર્વે નોટિસ પણ આપી હતી છતાં દબાણ દૂર કરવામાં નહીં આવતા આજે મહાપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેના પગલે દબાણકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો.
કાળાનાળા વિસ્તારમાંથી લારી-ગલ્લાના દબાણ દૂર કર્યા
ભાવનગર શહેરના કાળાનાળા, આઈ.જી.ઓફીસ સામેથી આજે મંગળવારે મહાપાલિકાના દબાણ હટાવ સેલની ટીમે ૧ર થી વધુ લારી ધારકોને દૂર કર્યા હતા અને અહીં ફરી નહીં ઉભા રહેવા સૂચના આપી હતી. આ વિસ્તારમાં ફૂટની લારીઓ લઈને ઉભા રહેતા ફેરીયાઓને વારંવાર હટાવવામાં આવે છે છતાં ફરી તેઓ દબાણ કરતા હોય છે ત્યારે પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી છે.