Monsoon Session 2025: ગુજરાત વિધાનસભાના 15મા સત્રના ત્રીજા અને અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા વરસાદી હોનારતથી પ્રભાવિત બનાસકાંઠાના મુદ્દે અને રાજ્યમાં ‘ભૂતિયા યુનિવર્સિટી’ને લઇને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પાટણ જિલ્લામાં આવેલી એમ.કે. યુનિવર્સિટીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછીને જણાવ્યું હતું કે આ યુનિવર્સિટી મંજૂર કરેલી જગ્યાને બદલે ભેંસોના તબેલામાં ચાલી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ધારાસભ્યનો વિધાનસભામાં પ્રશ્ન અને સરકારનો જવાબ
ડૉ. કિરીટ પટેલે 31 જુલાઇ 2025ની સ્થિતિએ પ્રશ્ન કર્યો હતો કે શું પાટણની એમ.કે. યુનિવર્સિટી મંજૂર થયેલી જગ્યા સિવાય અન્ય જગ્યાએ ચાલી રહી છે? જો હા, તો છેલ્લા બે વર્ષમાં આ મુદ્દે કેટલી ફરિયાદો મળી છે અને તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે? આ પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે આ મુદ્દે ત્રણ ફરિયાદો મળી છે અને આ ફરિયાદો પર નિયમાનુસારની કાર્યવાહી વિચારણા હેઠળ છે.
આ પણ વાંચો : અમદાવાદની 4 સ્કૂલોમાં બાળકો સાથે ભેદભાવની ફરિયાદ, RTE અંતગર્ત લીધા હતા એડમિશન
રાજ્યમાં ‘ભૂતિયા યુનિવર્સિટી’ હોવાની વાત સ્વીકારી
સરકારના જવાબ પર પ્રતિક્રિયા આપતા ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે સરકારે તેમના પ્રશ્નમાં જ રાજ્યમાં ‘ભૂતિયા યુનિવર્સિટી’ હોવાની વાત સ્વીકારી છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે, ત્યાં સુવિધાઓનો અભાવ છે, જ્યારે તે ખરેખર ભેંસોના તબેલામાં ચાલી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદની 4 સ્કૂલોમાં બાળકો સાથે ભેદભાવની ફરિયાદ, RTE અંતગર્ત લીધા હતા એડમિશન
તેમણે ઉમેર્યું કે, ‘સરકારે છેલ્લા ત્રણ વર્ષથી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. ભેંસોના તબેલામાં યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી અને કોઈ ચકાસણી પણ કરવામાં આવી નથી. સરકાર ગુણવત્તા વગરની યુનિવર્સિટીને મંજૂરી આપી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન થઈ રહ્યું છે.’ આ મુદ્દે વધુ કાર્યવાહી કરવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માટે તેમણે સરકારને અપીલ કરી હતી.