અમદાવાદ,બુધવાર, 10 સપ્ટેમબર,2025
આજના ઝડપી યુગમાં હવે લાંબી લાઈનમાં ઉભા રહેવાનો કોઈ પાસે
સમય નથી. આ બાબતની પ્રતિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ ભરવાની
બાબતમાં જોવા મળી છે.એપ્રિલથી શરુ થયેલા નાણાંકીય વર્ષના માત્ર પાંચ મહીનાની અંદર
જ ૬૦ ટકા કરદાતાઓએ તેમનો પ્રોપર્ટી ટેકસ ભરી દીધો છે.પ્રોપર્ટી ટેકસ ભરવા લોકોએ
મોબાઈલ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટની પસંદગી કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગની મોટાભાગની
કામગીરી ડિજિટલ મોડ ઉપર લઈ જવામા આવી છે. મિલકતવેરો ભરવાથી લઈ મિલકતની આકારણી, મિલકતના વપરાશમાં
ફેરફાર, નામ
ટ્રાન્સફર સહીતની અરજીઓ કરદાતા ઓનલાઈન કરી
જે ફેરફાર કરવો હોય તે કરાવી શકે
છે.વર્ષ-૨૦૨૪-૨૫માં શહેરના ૫૦.૨૩ ટકા કરદાતાઓએ ઓનલાઈન મિલકતવેરો ભર્યો હતો. અલગ
અલગ વોર્ડમાં આવેલા કોર્પોરેશનના સિવિક સેન્ટર ઉપરથી ૪૯.૭૭ ટકા કરદાતાઓએ તેમના
મિલકતવેરાની ભરપાઈ કરી હતી.જેની સરખામણીમાં આ વર્ષે પાંચ મહીનામા જ ૬૦ ટકા
કરદાતાઓએ તેમનો મિલકતવેરો ઓનલાઈન ભરી દીધો છે.
ઝોન મુજબ ઓનલાઈન ટેકસની ટકાવારી
ઝોન ટકાવારી
મધ્ય ૫૦.૦૩
ઉત્તર ૫૨.૩૦
દક્ષિણ ૫૫.૦૯
પૂર્વ ૫૫.૫૬
પશ્ચિમ ૬૩.૯૦
ઉ.પ. ૬૯.૦૯
દ.પ. ૬૭.૧૦
કુલ ૫૯.૭૯
કોર્પોરેશનના તમામ ટેકસની આવક
વેરો આવક(કરોડમાં)
મિલકત ૧૧૬૫.૮૨
પ્રોફેશન ૧૧૬.૨૪
વ્હીકલ ૯૦.૯૪
કુલ ૧૩૮૫.૬૯