Jamnagar Crime : જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વેશ્યાવૃત્તિ કરાવવા માટે સરકારી જગ્યામાં એક ટેમ્પો પાર્ક કરાવી તેની અંદર પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા કુટણખાનું ચલાવાતું હોવાથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી, અને ટેમ્પો, કાર, ચાર નંગ મોબાઈલ ફોન સહિત 15 લાખની માલમતા કબજે કરાઈ હતી, જે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જેના મોબાઈલ ફોનની કોલ ડિટેઇલ કઢાવાઇ રહી છે, જ્યારે તેના રહેણાંક મકાન તેમજ બેંક ખાતા વગેરેની તપાસણી કરવામાં આવી રહી છે.
જામનગરના સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. આર.ડી.ગોહિલે ચોક્કસ બાતમીના આધારે રણજીત નગર વિસ્તારમાં સરકારી જગ્યામાં એક ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવી વેશ્યાવૃતિની પ્રવૃત્તિ કરવા અંગે નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરના પુત્ર અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાને ઝડપી લીધો હતો, તેમજ તેની પાસેથી કુલ ચાર નંગ મોબાઈલ ફોન, એક કાર, ટેમ્પો ટ્રાવેલ્સ સહિત રૂપિયા 15 લાખની માલમતા કબજે કરી હતી. જે આરોપી અગાઉ પણ ત્રણ વખત આવી પ્રવૃત્તિ ચલાવવા અંગે ઉપરાંત દારૂ સહિતની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને ફરીથી વેશ્યાવૃત્તિનો ધંધો ચાલુ કર્યો હોવાથી પોલીસ દ્વારા તેની પાસેથી વધુ માહિતી કઢાવવાના ભાગરૂપે પાંચ દિવસની રિમાન્ડની માંગણી સાથે અદાલત સમગ્ર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં અદાલતે ત્રણ દિવસની પોલીસ રિમાન્ડની માંગણી મંજૂર કરી છે.
આરોપીના કબજા માંથી ત્રણ નંગ મોબાઈલ ફોન મળ્યા હતા, અને એક યુવતીનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. તમામ મોબાઈલ ફોનમાં અનેક વોટ્સએપ ચેટ, અસ્લીલ ફોટા સહિતનું સાહિત્ય મળ્યું છે. જ્યારે પુરુષ ગ્રાહકોને સંતોષવા માટેના કેટલાક ઓડિયો વીડિયો કલીપ તેમજ સમગ્ર ભારતભરની યુવતીઓને જામનગરમાં સારો ધંધો મળશે, તેવા પ્રલોભન આપતા ઓડિયો ક્લિપ વગેરે મળી આવ્યા છે. પોલીસે તમામ મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ કઢાવી સાહિત્ય એકત્ર કરવામાં આવી રહ્યું છે, જ્યારે તેના મકાનની ઝડતી કરવામાં આવી રહી છે.
ઉપરાંત તેનું રણજીત નગર વિસ્તારમાં આવેલી એક બેંકમાં ખાતું હોવાથી બેંક ખાતાની ડિટેઇલ પણ પોલીસ દ્વારા કઢાવવામાં આવી રહી છે. સમગ્ર મામલામાં પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેમની ટીમ વધુ તપાસ ચલાવે છે. એક આરોપી દ્વારકા તરફ ભાગી છૂટ્યો હોવાથી તેને પકડવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.