Jamnagar Theft Case : જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને રેડીમેઇડ કપડાની દુકાન ચલાવતા એક વેપારીએ પોતાની દુકાનમાં કામ કરતા કર્મચારી સામે જુદા જુદા કામસર ઘરે આવ્યા બાદ ઘરમાંથી કટકે કટકે રૂપિયા 8,86,500 ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જામનગરમાં સત્યમ કોલોની નજીક શિવમ સોસાયટીમાં શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહેતા અને તે જ વિસ્તારમાં રેડીમેઇડ કપડાની દુકાન ચલાવતા લોહાણા વેપારી ચિરાગભાઈ ચંદ્રકાંતભાઈ પંચમતીયાએ પોતાના ઘરમાંથી રૂપિયા 8,86,500 ની રોકડ રકમની ચોરી કરી લઈ જવા અંગે પોતાની દુકાનમાં જ કામ કરતાં રાજદીપગીરી પ્રમોદગીરી ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ચિરાગભાઈના દુકાનમાં કામ કરતો કર્મચારી રાજદીપગીરી કે જેને જુદા જુદા કામ સબબ પોતાના ઘેર મોકલવામાં આવતો હતો, જે દરમિયાન ગત તારીખ 3.7.2024 થી તારીખ 9.10.2024 સુધીના સમયગાળા દરમિયાન પોતાના મકાનમાં કામ સબ ગયા બાબત કબાટમાંથી કટકે કટકે 8,86,500 ઉઠાવી લીધા હતા.
ગત નવમી તારીખે મકાન માલિકને ઉપરોક્ત ચોરી સંબંધે અને પોતાના જ કર્મચારી રૂપિયા ચોરી જતો હોવાનું ધ્યાનમાં આવતાં આખરે મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, ઉપરોક્ત આરોપીને પકડવા માટે પોલીસ ટુકડી દોડતી થઈ છે.