Ankleshwar Police : અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે એનઓસી તથા સુવિધા સુરક્ષા વિના વાહનોનું સ્ક્રેપ કરનાર તથા વાહનોના સ્પેરપાર્ટસ લે વેચ કરી રજીસ્ટર નિભાવણી ન કરનાર ત્રણ વેપારી વિરુદ્ધ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અરમ તુપ્તી હોટલ પાસે આવેલ ફિઝા ટ્રેડિંગમાં આરટીઓની એનઓસી તથા સુવિધા સુરક્ષાના સાધનો વિના ગેરકાયદેસર રીતે ટ્રકોનું ગેસ વડે કટીંગ કરી લોકોની જિંદગી જોખમમાં મૂકનાર સંચાલક નફીસ નસરુ ખાન (રહે-ગ્રીનવેલી સોસાયટી, ભડકોદરા, અંકલેશ્વર) વિરુદ્ધ બેદરકારી દાખવા બદલ ગુનો નોંધી ઓક્સિજન અને ગેસના 7 બોટલ, ગેસ કટીંગ ટોર્ચ નોઝલ મળી કુલ રૂ.45,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ભડકોદ્રાના ઉમરવાડા રોડ ખાતે આઝાદ નગરમાં ગેરકાયદેસર રીતે ટ્રકોનું કટીંગ કરી ભંગારનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી પોલીસને સાંપડી હતી. જેના આધારે તપાસ કરતા સ્થળ પર 10 મોટા વાહનો પૈકી સાત વાહનોને કટીંગ કરવા માટેની એનઓસી ન હતી. અને એનઓસી તથા સુવિધા સુરક્ષા વિના ગેરકાયદેસર રીતે સ્ક્રેપ થતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સંચાલક મુસ્તકીમ ઉર્ફે લાલુ જાફરઅલી ખાન (રહે-ગુલશન એ ફૈઝ, અંકલેશ્વર) વિરુદ્ધ બેદરકારી બદલ ગુનો નોંધી ઓક્સિજન અને ગેસના 7 બોટલ મળી કુલ રૂ.57 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત નેશનલ હાઇવે નં. 48 ઉપર અંસાર માર્કેટ ખાતે આવેલ કેજીએન એન્ટરપ્રાઇઝ જુના વાહનોના સ્પેરપાર્ટસ લે વેચાણનું કામ કરે છે. આ દુકાનમાં પોલીસે તપાસ કરતા સંચાલક મોહમ્મદસઈદ મોહમ્મદનફીસ ખાન (રહે-મન્નત રેસીડેન્સી, ડીસન્ટ હોટલની પાછળ, અંકલેશ્વર) એ રજીસ્ટર નિભાવણી ન કરતા જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.