Rahul Gandhi On PM Modi’s Manipur Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરના રોજ મિઝોરમ અને મણિપુરની મુલાકાત લેવાના છે. આ મુલાકાત પર લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, મણિપુરમાં આ મુદ્દો (કોમી તણાવ) લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ સારી વાત છે કે, તે છેક હવે મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ દેશનો મુખ્ય મુદ્દો ‘વોટ ચોરી’નો છે. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી જનાદેશની ચોરી કરી છે. દેશભરના લોકો વડાપ્રધાનને વોટ ચોર કહી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, મણિપુરમાં હિંસા થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અવારનવાર મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે મણિપુરના લોકો સાથે મળી તેમની ચિંતા અને પ્રશ્નો સંસદ સુધી પહોંચાડ્યા હતા. વડાપ્રધાન મોદી હિંસાના 27 મહિના બાદ મણિપુરની મુલાકાત લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃહિંસા બાદ PM મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ: 13 સપ્ટેમ્બરે વિસ્થાપિત લોકોની વ્યથા સાંભળશે
8500 કરોડની વિકાસ પરિયોજનાનું ઉદ્ધાટન
વડાપ્રધાન મોદી આવતીકાલે મિઝોરમ અને મણિપુરની મુલાકાત લેવાના છે. મણિપુરમાં મે, 2023માં કુકી અને મૈતઈ સમુદાયો વચ્ચે કોમી સંઘર્ષ બાદ આ તેમની પ્રથમ મુલાકાત હશે. મણિપુર હિંસામાં અત્યાર સુધી 260થી વધુ લોકોના મોત થયા છે. હજારો પરિવાર વિસ્થાપિત થયા છે. અનેક લોકોના પરિવાર રઝળી પડ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી એન. બિરેનસિંહના રાજીનામા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદી મણિપુરમાં રૂ. 8500 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
PM મોદીની મણિપુર મુલાકાત
વડાપ્રધાન મોદી કુકી અને મૈતેઈ સમુદાયોના પ્રતિકાત્મક કેન્દ્રો ચુરાચાંદપુર અને ઈમ્ફાલમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે. તેઓ હિંસાના પીડિતો-બેઘર પરિવારોની મુલાકાત પણ લઈ શકે છે. તેમજ તેમના પુનર્વસન માટે રાહત પેકેજ જાહેર કરશે. નિષ્ણાતો અનુસાર, તેઓ બંને સમુદાયો વચ્ચે સંતુલન સ્થાપિત કરવા તેમજ વર્તમાન માનવીય-રાજકીય સંકટમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરશે. વડાપ્રધાન મોદી ઈમ્ફાલના કાંગલા કિલ્લામાં એક જાહેર સભાને સંબોધિત કરશે. તેઓ 15 સપ્ટેમ્બરના રોજ મિઝોરમની મુલાકાત લેશે.