Karur Stampede : તમિલનાડુના કરૂરમાં 27 સપ્ટેમ્બરે અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (TVK)ના અધ્યક્ષ એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થઈ હતી, જેમાં લગભગ 40 લોકોના મોત થયા છે. હવે આ મામલે ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા કે.અન્નામલાઈએ કહ્યું કે, ‘નાસભાગ મામલે વિજયની કોઈ ભૂલ નથી. ભીડનો અંદાજ લગાવાનું કામ રાજ્ય પોલીસ અને ગુપ્તચર વિભાગનું છે.’
સ્થાનિક તંત્રની નિષ્ફળતાના કારણે દુર્ઘટના બની : અન્નામલાઈ
અન્નામલાઈએ કહ્યું કે, ‘આ દુર્ઘટના વિજયની ભૂલ નથી. રાજ્યની પોલીસ અને ગુપ્તચર વિભાગનું કામ છે કે તેઓ ભીડનો અંદાજ લગાવે અને જરૂરીયાત મુજબ પોલીસ બળ તૈનાત કરે. રેલીવાળું સ્થળ 5000 લોકોને સમાવવા જેવડું ન હતું. રાજ્ય પોલીસે 500 લોકોને તહેનાત કર્યાનો દાવો કર્યો હતો, જોકે અમને તેમના દાવા પર વિશ્વાસ નથી. વાસ્તવિક વાત એ છે કે, સ્થળ પર પોલીસ અધિકારીઓની સંખ્યા 100થી પણ ઓછી હતી. સ્થાનિક તંત્રની નિષ્ફળતાના કારણે આ દુર્ઘટના બની છે.’
#WATCH | Karur, Tamil Nadu | On the Karuru stampede, BJP leader K Annamalai says, “It is not Vijay’s fault. It is for the state police and intelligence to anticipate the crowd and deploy the police force adequately… Why did the police give them permission for 7 hours? Give it… pic.twitter.com/yHKsIeZMOv
— ANI (@ANI) September 28, 2025
‘વિજયને સાત કલાકની મંજૂરી કેમ આપી’
અન્નામલાઈએ સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘પોલીસે વિજયને સાત કલાકની મંજૂરી કેમ આપી? તેને 2 કલાક સુધીની મંજૂરી આપવી જોઈતી હતી. અમે આ દુર્ઘટના મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છીએ. રાજ્યના મુખ્યમંત્રી એકમાત્ર પૂર્વ ન્યાયાધીશ તપાસ પંચની રચના કરવા માટે છે અને તેમણે પોતે જ ન્યાયાધીશની પસંદગી કરી છે, તેથી આમાં નિષ્પક્ષ તપાસ કેવી રીતે થઈ શકે?’
આ પણ વાંચો : ‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ
સરકાર જવાબદારીમાંથી નિષ્ફળ ગઈ : અન્નામલાઈ
તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘વિજયને તમિલનાડુમાં ગમે ત્યાં જઈને પ્રચાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે. સરકાર ઈમાનદાર તરીકે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. કરૂર ભાજપ તરફથી મૃતકોના પરિવારજનો માટે વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.’
AIADMKએ મૂક્યા આરોપ
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના મહાસચિવ કે. પલાનીસ્વામીએ રવિવારે આ ઘટના પર સરકાર અને ટીવીકે પર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, કરૂરમાં ટીવીકેની રાજકીય રેલીમાં થયેલી નાસભાગ એ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા ચૂકનો પુરાવો છે. જો પોલીસ અને રાજ્ય સરકારે પૂરતા સાવચેતીનાં પગલાં લીધાં હોત, તો આ ‘દુર્ઘટના’ ટાળી શકાઈ હોત. મીડિયા રિપોર્ટ્સ પણ વિજયની તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) રેલીમાં સુરક્ષાની ખામી રહી હોવાના પુરાવા દર્શાવે છે. રેલીમાં બત્તી ગુલ થતાં ગરમીના કારણે ગભરામણ વધી હતી. અમુક લોકો બેભાન થઈ જતાં નાસભાગ મચી હતી. ટીવીકેના કાર્યકરોએ સલામતી અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતાં સાવચેતીનાં પગલાં લેવા જોઈતા હતા.
આ પણ વાંચો : ‘લદાખની સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે ભાજપ-RSS’, સોનમ વાંગચુકની ધરપકડ પર બોલ્યા રાહુલ ગાંધી