Sanjay Raut On IND vs PAK Final Asia Cup 2025 : એશિયા કપ 2025ની ફાઈનલ મેચ આજે (28 સપ્ટેમ્બર) ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાઈ. શિવસેના સાંસદ સંજય રાઉતે મેચને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘જે રીતે મહિલાઓનું સિંદૂર ઉજાળ્યું, એના જવાબમાં આપણે ઓપરેશન સિંદૂર ચલાવ્યું. તેમ છતાં આપણે એ દેશ સાથે ક્રિકેટ રમીએ છીએ તો રાષ્ટ્રવાદ ક્યાં ગયો?’ સંજય રાઉતે કટાક્ષમાં કહ્યું કે, ‘બોર્ડર પર લોહીની નદીઓ વહેતી હોય તો પણ આપણે ક્રિકેટ રમીશું અને પૈસા કમાઈશું.’
ભારત-પાકિસ્તાન મેચને લઈને સંજય રાઉતની પ્રતિક્રિયા
સંજય રાઉતે કહ્યું કે, ‘આ કોઈ મોટી મેચ નથી. ભારત અને પાકિસ્તાન માટે આવા વાતાવરણમાં મેચ રમવી એ ખૂબ જ ખરાબ બાબત છે. રમત એ રમત છે. રાજકારણ એ રાજકારણ છે, અને ધર્મ એ ધર્મ છે. તમામ અલગ-અલગ બાબતો છે, પરંતુ તે બધાને પાકિસ્તાન સાથે કેમ જોડવામાં આવે છે? પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સુધર્યા અને બગડ્યા બંને છે. પરંતુ જ્યારે આતંકવાદની વાત આવે છે, ત્યારે મારું માનવું છે કે ભારતના લોકો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ઇચ્છતા નથી.’
‘જો આપણે કડવાશ છતાં ક્રિકેટ રમીએ, તો રાષ્ટ્રવાદ ક્યાં છે?’
આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ‘ખાસ કરીને પુલવામા ઘટના, અને તે પહેલાં ઉરી ઘટના બની હતી. હવે, પહલગામ ઘટના પછી અમે નિર્દોષ લોકોની હત્યા અને મહિલાઓના સિંદૂર ઉતારનારા સામે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. બંને દેશો વચ્ચે આટલી કડવાશ હોવા છતાં જો આપણે તે દેશ સાથે ક્રિકેટ રમીએ, તો રાષ્ટ્રવાદ ક્યાં છે? ભાજપનું હિન્દુત્વ ક્યાં છે? તેમની દેશભક્તિ ક્યાં છે? તો આ બધું ખોટું છે.’
સંજય રાઉતે સવાલો કર્યા કે, ‘જો આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ નહીં રમીએ, તો શું આકાશ ફાટી પડશે? શું થશે? કંઈ નહીં થાય, પણ અહીં પૈસાનો મોટો ખેલ છે, સટ્ટો. BCCI અને PCCI બંને તેનાથી ઘણા પૈસા મળે છે. તેઓ મિલીભગત કરે છે. આ વખતે રાષ્ટ્રીય ભાવના ખૂબ જ મજબૂત છે. લોકો આ મેચો તેમના ટેલિવિઝન પર જોવા પણ માંગતા નથી. જો મેચ મોટા સ્ક્રીન પર અથવા રેસ્ટોરન્ટમાં બતાવે તો લોકો તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરશે. આ સાચું છે.’
આ પણ વાંચો: Asia Cup 2025 Final Live: ભારતીય ટીમનો સ્કોર 100ને પાર, તિલક વર્મા અને શિવમ દુબે ક્રીઝ પર
PVRમાં મેચ બતાવવા પર સવાલો કરતાં તેમણે કહ્યું કે, ‘આ શરમજનક વાત છે. PVRમાં જે P છે એ પાકિસ્તાનનો છે કે શું? અમારા લોકો તેમના મેનેજમેન્ટને મળ્યા અને કહ્યું કે, આવું ન કરો. હવે મને જાણવા મળ્યું છે કે, PVR વાળા હવે મેચ બતાવતા નથી.’