– શિક્ષણ અને વહિવટી સરળતા માટે નિમાયેલ
– કામ નહીં કરનારા શિક્ષકો – આચાર્યો પૈસાના જોરે ઘરની ધોરાજી હાકતા હોવાની રાવ : કામ નાનું હોય કે મોટું નૈવેદ્ય વગર થતું નથી!
ભાવનગર : જિલ્લાની પ્રાથમિક શાળાઓના સુચારૂ સંચાલન માટે દરેક તાલુકા મથકો પર ટીપીઈઓની નિમણુંકો કરાઈ છે. પરંતુ ચોક્કસ કેટલાક અધિકારીઓ પોતાની ફરજનું કામ કરવાના પણ પૈસા ઉઘરાવતા હોવાથી ફરિયાદ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો આ ગેટ પ્રવૃતિને આળસુ અને ફરજ પ્રત્યે બેદરકાર શિક્ષકો અને આચાર્યો આડકતરૂ પ્રોત્સાહન પણ આપી રહ્યાં છે. જે અંગે યોગ્ય તપાસ અને કાર્યવાહી શિક્ષણનાં હિતમાં જરૂરી બની
ભાવનગર જિલ્લાની ૯૧૬ પ્રાથમિક શાળાના સુચારૂ સંચાલન માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની નિમણુંકો કરવામાં આવી છે. જેથી જે તે તાલુકાની શાળાના શૈક્ષણિક કે વહિવટી પ્રશ્નોનું સરળતાથી અને ઝડપી નિરાકરણ લાવી શકાય પાંચ આંગળી સરખી ન હોય પરંતુ જિલ્લાના કેટલાક ટીપીઈઓએ કામ નાનું હોય કે મોટું પૈસાનું ઉઘરાણું કરવામાં પાછી પાની કરતા નથી કેટલાક આળસુ શિક્ષકો સામેથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. તો કેટલાક શિક્ષકો આચાર્યોને આ સડેલી સીસ્ટમનો પરાણે ભાગ બનવા મજબુર કરે છે. જેના પરીણામે સુકા પાછળ લીલુ બળે છે અને સરવાળે શિક્ષણનું અહિત થાય છે. એક જાહેર કાર્યક્રમમાં માજી ધારાસભ્યએ ટીપીઈઓને જાહેરમાં ટકોર પણ કરી હતી. તો કેટલાક શિક્ષકો પોતાની નબળાઈ ઢાંકવા ચાપલુસી અને આડકતરા ફાયદા પણ કરાવતા હોવાની ચર્ચા જાગી છે. સઘળી બાબતે તલ સ્પર્શી તપાસ થાય તો કંકના ધોતીયા ઢીલા થાય તેમ હોવાનો ગણગણાટ શિક્ષણ જગતમાં પ્રવર્ત્યો છે. તો કેટલાક ટીપીઈઓ શાળાની મુલાકાત દરમ્યાન નાની મોટી ભુલ કાઢી ઓફીસમાં બબોલાવી તેમના મળતીયા માણસો દ્વારા સેટીંગ કરતા હોવાની પણ રાવ છે. આમ શિક્ષણના હિતમાં ઉચ્ચ અધિકારીઓ નિષ્પક્ષ ટીમ બનાવી હાલની અને અગાઉની કાર્યવાહીની પણ તપાસ કરવી ઘટે છે.
કેવા કામના કેટલા રૂપિયા લેવાય છે
જિલ્લા ફેર છુટા કરવાનાં ૬૦૦૦, નિવૃત્તિના કેસમાં ૧૦ હજાર, શાળાએ ન આવવાના મો માગ્યા, ઉચ્ચતર પગારના ૩ હજાર, પી.એફ. ઉપાડવાનાં ૩ હજાર, સર્વિસ બુક જિલ્લા ફેર ટ્રાન્સફર કરવાનાં ૩ હજાર, અપંગ એલાુન્સ, સીટી ટ્રાન્સપોર્ટ, રજાના સેટીંગ સહિતના કામોમાં પણ વગર પૈસે કામ થતું ન હોવાના અક્ષેપો શિક્ષણ જગતમાં થઈ રહ્યાં છે.
શિક્ષકો તરફથી ફરિયાદમાં તપાસ સાબિત થશે તો કડક કાર્યવાહી કરાશે : ડીપીઈઓ
તાલુકાના પ્રાથમિક શિક્ષણના સુચારૂ આયોજન અને પ્રશ્નોના નિકાલ માટે નિમાયેલ ડીપીઈઓ સામે ઉઠેલા સવાલોને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવ્યું હતું કે ડીપીઈઓની ગેરપ્રવૃત્તી અંગેની પરિયાદ મળે તો તપાસ કરીને કડક કાર્યવાહી પણ કરાશે.